એક એક લાખ રૂપિયા દંડનો પણ લીમખેડા સેશન્સ કોર્ટનો હુકમ
દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો પણ હુકમ
દાહોદ તા.૦૯
દાહોદના દેવગઢ બારીયામાં ગૌ માસનું વેચાણ કરનાર બે શખ્સોને લીમખેડા સેશન્સ કોર્ટે સાત વર્ષની સખત કેદની સજા તથા એક એક લાખ રૂપિયા દંડ ભરવાનો હુક્મ ફરમાવ્યો હતો. દેવગઢ બારીયાના ભે દરવાજા નજીક રહેતા રિયાઝબીન અબ્દુલ રસીદબિન અરબ તથા અરબાઝ અબ્દુલ રસીદબિન અરબના ઘરમાંથી બે વર્ષ પૂર્વે 1/3/2023ના રોજ દેવગઢબારિયા પોલીસે 15 કિલો ગ્રામ જેટલું ગૌમાસ ઝડપી પાડયું હતું. દેવગઢ બારીયા પોલીસે ગુનાની ગંભીરતાને લઈ ઝડપાયેલા બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બાદ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી સમગ્ર કેસ લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસ લીમખેડા એડિશનલ સેશન્સ જજ એચ.એચ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એસ.બી. ચૌહાણની દલીલોને ધ્યાને લઈ લીમખેડા સેશન્સ કોર્ટે આરોપી રિયાઝબીન અબ્દુલ રસીદબીન અરબ તથા અરબાઝ અબ્દુલ રસીદબીન અરબને તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા તથા બંનેને એક એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો હુકમ ફરમાવ્યો હતો. તેમજ દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ પણ ફરમાવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપ્યો હતો.
