Vadodara

ગોલ્ડન ચોકડીથી હાલોલ રસ્તે ગેરકાયદે પાર્કિંગથી દૈનિક ટ્રાફિક જામ

ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જતો રોડ ચાર લેનનો હોવા છતાં રોજ ટ્રાફિક જામ થવા લાગ્યું છે. ખાસ કરીને પીક અવર્સમાં સવારે અને સાંજે અહીં વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે. આ રસ્તા પર આવેલી હોટેલો બહાર વાહનો ગેરકાયદે રીતે પાર્ક કરવામાં આવે છે. જેના કારણે રસ્તાનો મોટો ભાગ રોકાઈ જાય છે અને ટ્રાફિક ધીમું થઈ જાય છે. પોલીસને આ વાતની ખબર હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. પોલીસ માત્ર ગોલ્ડન ચોકડી પાસે ઊભી રહે છે, પણ હોટેલો બહાર ગેરકાયદે પાર્કિંગ પર ધ્યાન આપતી નથી. રોજ હજારો લોકો આ માર્ગ પરથી પસાર થાય છે. છતાં કોઈ મજબૂત કામગીરી થતી નથી. હોટેલો સામેના પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. ટ્રાફિક નિયમોનું પાલન ના થવાને લીધે મોટો રસ્તો પણ નાનો લાગી રહ્યો છે.

ગોલ્ડન ચોકડી પાસે દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. હોટલોના થતા આડેધડ પાર્કિંગથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. અત્રે નોંધનીય છે કે, આ માર્ગ ફક્ત વડોદરા હાલોલ નહીં પરંતુ દિલ્હીથી મુંબઈને પણ જોડે છે જેને પગલે અહીંથી હજારોની સંખ્યામાં ટ્રક સહિતના મોટા વાહનો પસાર થતા હોય છે. તેવામાં આ પ્રકારનું ગેરકાયદે થતું પાર્કિંગ વધુ ટ્રાફિક સર્જે છે. કેમ કે, ફોર લેન માર્ગ પાર્કિંગને પગલે ટુ લેનમાં પરિણમે છે અને મોટા વાહનોની અવરજવરથી ટ્રાફિક બમણો થઈ જાય છે.

Most Popular

To Top