Vadodara

ગોરવા ITI રોડ પર ભયાનક ભૂવો: રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો માટે જોખમ

ઉપરથી નાનો પણ અંદરથી અતિ વિશાળ ભૂવો પડ્યો; સ્થાનિકોએ આડશ મૂકી તંત્રને વહેલી તકે જાગવા આપી ચેતવણી

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં તંત્રની કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વ્યસ્ત આઈ.ટી.આઈ. રોડ પર અચાનક એક વિશાળ ભૂવો પડતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ પડેલા આ ભૂવાએ વડોદરા કોર્પોરેશનની “સ્માર્ટ” કામગીરીની પોલ ખોલી નાખી છે.
ગોરવા વિસ્તારમાં આવેલી જય સત્યનારાયણ સોસાયટી પાસેના મુખ્ય માર્ગ પર રવિવારના રોજ અચાનક જમીન ધસી પડી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ભૂવો ઉપરથી નાનો દેખાય છે, પરંતુ અંદરથી અંદાજે 12 ફૂટ જેટલો લાંબો અને અત્યંત ઊંડો છે. આ માર્ગ દૈનિક અવરજવર માટે ખૂબ જ વ્યસ્ત રહે છે, જ્યાંથી ખાનગી કંપનીઓની બસો અને ભારે વાહનો સતત પસાર થાય છે.
સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “વડોદરા હવે ભૂવા નગરી અને મચ્છર નગરી બની ગયું છે. સ્માર્ટ સિટીની વાતો માત્ર કાગળ પર જ રહી છે.” રહીશોએ વધુમાં ઉમેર્યું કે આ માર્ગ પરથી જો રાત્રિના સમયે કોઈ અજાણ્યો વાહનચાલક પસાર થાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. ભૂવાની ઊંડાઈ એટલી વધારે છે કે અંદર શું છે તે કેમેરામાં પણ સ્પષ્ટ દેખાતું નથી.
કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે જાગૃત નાગરિકોએ ભૂવાની આસપાસ આડશ મૂકી દીધી છે અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને સાવધ કરી રહ્યા છે. લોકોની માગ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના વિલંબ વગર તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે.
​હાલમાં આ ભૂવો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્ર વહેલી તકે જાગશે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે તેવો પ્રશ્ન જનતા પૂછી રહી છે.

Most Popular

To Top