કર્મકાંડ કરતા પૂજારીનો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ ખેલ પાડી દીધો
ગોરવા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા અણમોલ નગરમા રહેતા મૂળ ડેસર તાલુકાના વરસડા ગામના પૂજારીનો પરિવાર ગત તા. 20 અને 22જાન્યુઆરીના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં ઘુસ્યા,તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂ.55,000ની મતાની સાફસૂફી કરી ફરાર થઇ જતાં સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામના અને શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા અણમોલ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર -135માં પરિવાર સાથે રહેતા ચંદ્રકાંત ભાઇલાલભાઇ પાઠક કર્મકાંડ અને પૂજાપાઠ કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તા. 20મી જાન્યુઆરીના રોજ પૂજાપાઠના કામકાજ અર્થે વરસડા ગયા હતા અને દીકરો પાર્થ તથા પૂત્રવધૂ ગત તા. 22જાન્યુઆરીના રોજ નાસિક જવા માટે નિકળી ગયા હતા જ્યારે ચંદ્રકાતભાઇના પત્ની દીપીકાબેન ઘરને તાળું મારી મોટા દીકરા સચિનના ઘરે ગયા હતા ત્યારબાદ ગત તા. 24મી જાન્યુઆરીના રોજ સવારે આશરે અગિયાર વાગ્યાના સુમારે ગોરવા હાઉસિંગ બોર્ડના પડોશી નિલમબેને મોટા દીકરાની વહુને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા મકાનની લોખંડની જાળીનો નકૂચો તૂટેલો છે જેથી ચંદ્રકાંત ભાઇને પણ આ અંગેની જાણ થતાં ચંદ્રકાંત પાઠક તેમના પત્ની અને દીકરા પૂત્રવધૂ સાથે બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ત્યાં મકાનના મુખ્ય જાળીનો નકૂચો તૂટેલો હતો ઘરમાં જઇને જોતાં બેડરૂમમાં દિવાલમાં લાગેલી તિજોરી નું લોક તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો તિજોરી નું ડ્રોવર ચેક કરતાં જૂનાં સોનાના દાગીના જેમાં સોનાની આશરે 04ગ્રામની ચેઇન જેની અંદાજે કિંમત રૂ 20,000, સોનાની કાનની બુટ્ટી એક જોડી આશરે 04ગ્રામ વજનની જેની અંદાજે કિંમત રૂ 20,000, સોનાનું લોકેટ (પેંડલ) આશરે 2 ગ્રામ જેની અંદાજે કિંમત રૂ 10,000તથા રોકડ રકમ રૂ.5000 મળીને આશરે કુલ રૂ 55,000ના મતાની ચોરી થઇ હોવાની ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.