વડોદરા મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક આગામી ગુરૂવારે યોજાશે
અગાઉ મુલતવી સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા સુધીના 15 મીટરના રસ્તાને 24 મીટર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ
વડોદરા મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક આગામી ગુરુવાર, તા. 19 જૂન 2025ના રોજ સવારે 11:30 કલાકે સમિતિખંડ ખાતે મળવાનું નિર્ધારિત છે. આ બેઠકમાં ટાઉન ડેવલપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ શાખાની ચાર મહત્વની યોજનાઓ અંગે નિર્ણય લેવામાં આવનાર છે. ગોરવા વિસ્તારમાં નવી નગર રચના યોજના નં. 54 તૈયાર કરવા માટે અને ગુજરાત નગર રચના તથા શહેરી વિકાસ અધિનિયમ, 1976 ની કલમ-40 હેઠળ પ્રક્રિયા શરૂ કરવા માટે કમિશનરને સત્તા આપવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. તેમજ કલમ 41 થી 48 સુધીની તમામ કાયદેસર કાર્યવાહી માટે અધિકૃત કરવા અંગે મંજૂરી મંગવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખાએ નગર રચના યોજના નં.19 (માંજલપુર) અંતર્ગત સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા સુધીના 15 મીટરના રસ્તાને 24 મીટર કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે. આ માટે કલમ-71 હેઠળ વેરીએશન કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે આ દરખાસ્ત રજૂ થતાની સાથે જ વિવાદ વકર્યો છે. કારણ કે, અગાઉ જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ત્યારે તે કેટલાક નેતાઓને ફાયદો પહોંચાડવા માટે થઈને તેને નામંજૂર કરાઈ હતી.
અકોટા-તાંદલજા ટી.પી. યોજના નં.22માં સમર્પણ સોસાયટીના 9 મીટરના આંતરિક રસ્તાને ટી.પી. રોડમાં ફેરવવા તથા એફ.પી. 14 અને 93 વચ્ચે પાર્કિંગ માટે રીર્ઝવેશન રાખવા અંગે પણ ઇરાદો જાહેર કરવાની કામગીરી કલમ 41(1) મુજબ કરવાનો પ્લાન છે. આ માટે મ્યુ. કમિશનરને તમામ જરૂરી કાર્યવાહી માટે સત્તા આપવા ભલામણ કરાઈ છે. આજથી 15 વર્ષ પહેલાં મંજૂર થયેલી તાંદલજા ટી.પી. યોજના નં.23માં સમર્પણ સોસાયટીનો 9 મીટરનો આંતરિક રોડ ટી.પી. યોજના તરીકે જાહેર કરવા માટે પણ કલમ 41(1) હેઠળ ઇરાદો જાહેર કરવાનો અભિપ્રાય છે. આ મામલે પણ કમિશનરને આગળની કાર્યવાહી માટે સત્તાધિકૃત કરવાનો એજન્ડામાં સમાવેશ કરાયો છે. તાંદલજા વિસ્તારમાં પણ અગાઉ આ માર્ગને લઈને વિવાદ થતા હતા જેને લઈને હવે એ માર્ગને પણ ટીપી હેઠળ લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ માર્ગ મામલે પણ અગાઉ અનેક વાર ચર્ચાઓ અને વિવાદો થઈ ચૂક્યા છે ત્યારે હવે ટાઉન પ્લાનિંગ સમક્ષ આ કામની દરખાસ્ત રજૂ કરાઈ છે.
અઢી વર્ષ બાદ મન બદલાયું, કામ મુલતવી કરાવનારા હવે ભલામણમાં
માંજલપુરમાં સરસ્વતી કોમ્પલેક્ષથી અલવાનાકા સુધીના 15 મીટરના રસ્તાને 24 મીટર કરવાની દરખાસ્ત અઢી વર્ષ પહેલા પણ રજૂ કરાઈ હતી. પરંતુ તત્કાલીન મેયરે આ દરખાસ્ત મુલતવી કરવા માટે ભલામણ કરી હતી. જે બાદ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં તે સમયે 24 મીટર રસ્તો બનાવવાની દરખાસ્ત મુલતવી કરાઈ હતી. ત્યારે હવે આ જ કામ ફરી મંજૂર કરવા માટે જે પદાધિકરી અને નેતાઓએ વિરોધ કર્યો હતો તેમણે જ હવે આ કામ મંજૂર થાય તે માટે ભલામણ કરતા તેમની ભૂંડી ભૂમિકા અંગે હવે ચર્ચાઓ થઈ રહી છે.