આજવારોડ ખાતે આવેલી આર એમ એસ કોલેજ જવા માટે મોટરસાયકલ લઈને સવારે યુવક નિકળેલા હતો,યુવકની મોટરસાયકલ ને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ભાગી ગયો

(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના કરચિયા ગામમાં રહેતો યુવક આજવારોડ ખાતે આવેલી આર એમ એસ કોલેજ જવા માટે તા.05 માર્ચે સવારે મોટરસાયકલ લઈને નિકળ્યો હતો તે દરમિયાન ગોરવા મધુનગર બ્રિજ પર અજાણ્યા વાહન ટક્કરે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ભાગી જતાં સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયાના વતની અને હાલમાં કરચિયા ગામમાં હરિજનવાસ ખાતે પરિવાર સાથે રહેતા ભૂપેન્દ્રભાઇ કાલાભાઇ સોલંકી રહે છે જેઓ ગુજરાત રિફાઇનરી કોયલી ખાતે સફાઇ કર્મી તરીકે ફરજ બજાવે છે તેઓનો મોટો પુત્ર મિહિર આજવારોડ ખાતે આવેલી આર એમ એસ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો તા.05 માર્ચના રોજ સવારે પોણા સાત વાગ્યાના અરસામાં મિહિર મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-ક્યૂ જે-3879 લઇને ઘરેથી કોલેજ જવા માટે નિકળ્યો હતો બીજી તરફ ભૂપેન્દ્રભાઇ રિક્ષામાં બેસી નોકરી જવા નિકળતાં હતા તે દરમિયાન મિહિરનો મિત્ર એક્ટિવા લઇને આવી ભૂપેન્દ્રભાઇ ને તેમના પુત્ર મિહિરને ગોરવા મધુનગર બ્રિજ પર અકસ્માત થયો હોવાનું જણાવતા ભૂપેન્દ્રભાઇ પોતાના પત્ની સાથે મધુનગર બ્રિજ પર ગયા હતા જ્યાં સવારે આશરે સવા સાત વાગ્યે કોઇ અજાણ્યા વાહન ચાલકની ટક્કરે મિહિરને અકસ્માત કરી અજાણ્યો વાહનચાલક ભાગી ગયો હતો અને મિહિરને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાના કારણે લોહી નિકતી હાલતમાં મિહિર પડેલો હતો ત્યાં જઈને જોતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હોવાનું જણાયું હતું જેથી સમગ્ર મામલે ભૂપેન્દ્રભાઇએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
