300 ગેરકાયદે ઝૂંપડા-કાચા મકાનો જમીનદોસ્ત: હાઉસિંગ બોર્ડના નવા પ્રોજેક્ટનો રસ્તો સાફ
વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામેની ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીનને ખુલ્લી કરાવવા માટે પાલિકાની દબાણ શાખા દ્વારા શુક્રવારે ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે બાકી રહેલા 25 જેટલા કાચા-પાકા મકાનોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ સાથે જ, હાઉસિંગ બોર્ડની જગ્યા હવે સંપૂર્ણપણે ખુલ્લી થઈ ગઈ છે, જેના કારણે અહીં નવા મકાનો બનાવવાનો માર્ગ મોકળો થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા ઘણા સમયથી લગભગ 300 થી વધુ જેટલા ગેરકાયદેસર ઝૂંપડા અને કાચા-પાકા મકાનોમાં શ્રમજીવી પરિવારો વસવાટ કરી રહ્યા હતા. આ જમીન ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની હોવાથી, બોર્ડ દ્વારા અહીં નવા મકાનો બનાવવાની યોજના શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખાની મદદ માગવામાં આવી હતી.
આ સંવેદનશીલ કાર્યવાહી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા, એસઆરપી ની ટીમ, તેમજ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને વીજ નિગમનો સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર રહ્યો હતો.
ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન સંપૂર્ણપણે ખુલ્લી થતાં, હવે વડોદરા શહેરના આ વિસ્તારમાં બોર્ડના નવા આવાસોના નિર્માણ માટેની કાર્યવાહી ઝડપથી આગળ વધશે.