Vadodara

ગોરવા તળાવમાં ભયંકર ગંદકી, હજારો માછલાં મરી ગયા


શહેરના તળાવોના બ્યુટીફિકેશનના દાવા કરતું તંત્ર સ્વચ્છતા રાખવામાં નિષ્ફળ

વડોદરામાં ગોરવા તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવવા પામી છે. જેને લઇને બ્યુટિફિકેશન , સ્વચ્છતા, સુંદરતા,ની વાતો કરતું પાલિકા તંત્ર જળાશયોની જાળવણીમાં ઉણુ ઉતર્યું હોય તેવી સાબિતી મળવા પામી છે.
વડોદરાના તળાવમાં માછલીઓના મોતની આ કોઇ પ્રથમ ઘટના નથી. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અને ગોત્રી તળાવમાં પણ અવાર નવાર માછલીઓના મોતની ઘટના સામે આવતી રહે છે.વડોદરાના તળાવોની સુંદરતામાં વધારો કરવા માટે તેનું બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. તબક્કા વાર રીતે તળાવોને બ્યુટિફિકેશન અંતર્ગત સમાવવામાં આવી રહ્યા છે. પરંતુ તળાવોની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય આ વાતની પ્રતિતિ કરાવતો કિસ્સો વધુ એક વખત સામે આવવા પામ્યો છે. આજે શહેરના ગોરવા તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે જ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય જાળવણી રાખવામાં નહી આવતી હોવાની બુમો ઉઠવા પામી છે.
થોડાક વખત પહેલા સુરસાગર તળાવમાં અને શહેર ના ગોત્રી તળાવમાં પણ માછલીઓના મૃત્યુની ઘટના સામે આવી હતી. તેમ છતાં પણ પાલિકાનું તંત્ર કેમ નિંદ્રામાં છે તે ખબર નથી પડતી. એક પણ સિક્યુરિટી ગાર્ડ હાલ જોવા નથી મળી રહ્યો. અહિંયા સાફસફાઇનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તળાવમાં જંગલી વનસ્પતી અને કચરો પ્લાસ્ટિકની થેલીઓ પણ જોવા મળે છે. ગોરવા તળાવમાં ગંદકીના કારણે દુર્ગંધથી પણ લોકો ત્રાંસી ગયા છે. પાલિકા દ્વારા જળચર પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે, તે અંગે તપાસ થવી જોઇએ.

Most Popular

To Top