Vadodara

ગોરવા અને ગેંડા સર્કલ રોડ પર સમસ્યાઓનો પહાડ; ગંદકી અને ખાડાઓથી જનતા પરેશાન

રસ્તા પર ગટરના નીર અને અધૂરા રોડ કટિંગથી અકસ્માતનો ભય; પાલિકાની કથિત કામગીરી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી અધૂરી કામગીરી અને જાળવણીના અભાવે શહેરીજનોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોરવા અને ગેંડા સર્કલ આસપાસના રસ્તાઓ પર હાલમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે.

પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા અમર કાર પાસે છેલ્લા કેટલાક સમયથી દૂષિત ગટરનું પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યું છે. ગટરના ગંદા પાણી આખા રોડ પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દુર્ગંધ અને ગંદકીના કારણે આસપાસના રહીશોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે કોર્પોરેશનની આ કેવી કામગીરી છે જે ક્યારેય પૂર્ણ થતી જ નથી?

બીજી તરફ, એટલાન્ટિસ K10 બિલ્ડિંગ પાસે મુખ્ય માર્ગ પર એક મસમોટો ખાડો પડી ગયો છે. જાણવા મળ્યા મુજબ, પેચવર્ક કરવા માટે રોડ કટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવતા આ ખાડો હવે અકસ્માતની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડો વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.

શહેરમાં ઠેર-ઠેર ખોદકામ અને અધૂરી કામગીરીને લઈને જનતામાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ગટર ઉભરાવવાની સમસ્યા હવે વડોદરામાં રોજીંદી બની ગઈ છે. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top