સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં દુઃખદ ઘટના, ઘટનાસ્થળે જ મોત સાત મહિનાથી ગંભીર બીમારીથી પીડાતી હોવાની પ્રાથમિક માહિતી, પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા:
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ્સ–૧માં ૩૪ વર્ષીય પરિણીતાએ ૧૧મા માળેથી કૂદીને આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા સાત મહિનાથી ગંભીર બીમારીથી પીડાતી હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક ચર્ચા સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ મૃતક સંગીતા થાપા પોતાના પતિ અને સાસુ સાથે રહેતા હતા અને લાંબા સમયથી ગંભીર બીમારીને કારણે પથારીવશ હતા. તાજેતરમાં જ તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા.
ઘટના સમયે પતિએ તેમને થોડો સમય તાપમાં બેસવા જણાવ્યું હતું અને પોતે ઘરમાં ગયા હતા. આ દરમિયાન થોડા જ સમયમાં પરિણીતાએ અચાનક અગિયારમા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતા પતિ, સાસુ તથા આસપાસના પાડોશીઓ તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ સ્થળ પર પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.