Vadodara

ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું


પૂર્વ જાણ વગર મીટર બદલવાની કાર્યવાહીથી રહીશોમાં રોષ
લેખિત સ્પષ્ટતા અને પારદર્શક પ્રક્રિયાની લોકોએ ઉઠાવી માંગ
(પ્રતિનિધિ) વડોદરા, તા.24
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી સત્યમ એપાર્ટમેન્ટમાં આજે વીજ કંપની દ્વારા વીજ મીટર બદલવાની કાર્યવાહી શરૂ થતા જ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વર્ષોથી અહીં વસવાટ કરતા રહીશોના ઘરોમાં કોઈપણ પૂર્વ સૂચના કે સંમતિ વિના મીટર બદલવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ તાત્કાલિક વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી નિયમિત રીતે વીજ બિલ ચૂકવી રહ્યા છે, ત્યારે અચાનક કોઈ સ્પષ્ટ કારણ વગર મીટર બદલવાની કાર્યવાહી શા માટે કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી વીજ કંપની દ્વારા લેખિત નોટિસ, યોગ્ય કારણ અને પારદર્શક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી મીટર બદલવાની કોઈપણ કાર્યવાહી સ્વીકાર્ય નથી.

સ્થાનિકોના કડક વિરોધ અને રજૂઆત બાદ MGVCLના અધિકારીઓએ પરિસ્થિતિને ધ્યાને લઈ મીટર બદલવાની કાર્યવાહી તાત્કાલિક રોકી દીધી હતી અને ટીમને સ્થળ પરથી પરત ફરવું પડ્યું હતું. રહીશોએ માંગ કરી હતી કે ભવિષ્યમાં આવી કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તમામ માહિતી લેખિત રૂપે આપવામાં આવે, જેથી સામાન્ય જનતાને અનાવશ્યક હેરાનગતિનો સામનો ન કરવો પડે.
આ ઘટનાને પગલે ગોરવા વિસ્તારમાં વીજ મીટર બદલવાની કાર્યવાહી અને તેની પ્રક્રિયા અંગે ચર્ચા તેજ બની છે.

Most Popular

To Top