Vadodara

ગોરવામાં નશામાં ધૂત બાઇક ચાલકે મહિલાને ઉડાવી, અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો દાખલ

નશામાં ચકચૂર આરોપીનો બફાટ, મારા માથા પર પાણી નાખો, આંખ ખુલે પછી જે કરવું હોય તે કરજો

ગોરવા પોલીસે આરોપી વિવેક શ્રીવાસ્તવ ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.5

વડોદરા :- સંસ્કારી નગરી વડોદરામાં નશાખોર વાહનચાલકોનો આતંક યથાવત છે. શહેરના ગોરવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે દારૂના નશામાં ચકચૂર એક બાઇક GJ 06 MG 0959 ચાલકે પગપાળા જઈ રહેલા મહિલાને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે. કરોડીયા રોડ પર રહેતા 33 વર્ષીય રીનાબેન હિતેશભાઈ વસાવા ગત 4 માર્ચના રોજ રાત્રે 8:45 વાગ્યાના સુમારે જમીને લટાર મારવા નીકળ્યા હતા. તેઓ મધુનગર પાસેથી રોડ ક્રોસ કરીને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા વિવેક શ્રીવાસ્તવ નામના બાઇક ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રીનાબેનને શરીરે ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ સોસાયટીના લોકો તથા તેમના પતિ હિતેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત રીનાબેનને તેમના પતિએ કારમાં બેસાડીને ગોત્રી જનરલ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અર્થે દાખલ કરાવી હતી. હાલ તેમની સારવાર ચાલુ છે. અકસ્માત સર્જનાર યુવક વિવેક શ્રીવાસ્તવ એટલી હદે નશામાં હતો કે તેને ભાન પણ નહોતું. પોલીસ જ્યારે તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તેણે પોલીસ સામે અજીબ માંગણીઓ શરૂ કરી હતી. આરોપીએ લથડતી જીભે કહ્યું હતું કે, અરે, મારો હાથ તો કોઈ પકડો યાર. મારી વાત સાંભળો. મારા માથા પર થોડું પાણી નાખી આપો, મારી આંખ ખુલે પછી તમારે જે કરવું હોય તે કરજો, ખાલી માથા પર થોડું પાણી નાખી આપો. ગોરવા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી વિવેક શ્રીવાસ્તવ વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો અને દારૂ પીધેલી હાલતમાં હોવાથી પ્રોહીબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top