બાજુમાં ચાલતા લગ્ન પ્રસંગમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન :
રેસ્ટોરેન્ટ વાંસની લાકડીઓથી બનેલી હોવાથી આગ ઝડપથી પ્રસરી :
( પ્રતિનિધી )વડોદરા,તા.19
વડોદરા શહેરના ગોરવા મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં મોડીરાત્રીએ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગે વિકરાળ બનતા સમગ્ર રેસ્ટોરેન્ટ બળીને ખાખ થઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેરના આગના વધી રહેલા બનાવો વચ્ચે મોડીરાત્રે ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલી તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવને પગલે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. રેસ્ટોરેન્ટ વાંસની લાકડીઓથી બનેલી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. આ આગ લાગતા આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.સબ ફાયર ઓફિસરના કહ્યા મુજબ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડા ફોડવાના કારણે લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે રેસ્ટોરેન્ટમાંથી કર્મચારીઓ બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જેથી જાનહાનિ થતા ટળી હતી.