(પ્રતિનિધિ) વડોદરા તા. 10
વડોદરા મહાનગરપાલિકાના ઢોર શાખાની ટીમે ગત તા.08 માર્ચના રોજ ગોરવાના પંચવટી મેઇન રોડ વિસ્તારમાંથી રખડતાં પશુને પકડી ખટંબા સ્થિત ઢોરવાડામા મૂકતાં પશુપાલક દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ સિંહ જશરાજસિંહ ઝાલા વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર ડબ્બા શાખામાં ફરજ બજાવે છે તેઓ ગત તા.08માર્ચના રોજ ઢોર પાર્ટીના સુપરવાઈઝર તથા ટીમ સાથે ગોરવા વિસ્તારમાં આવેલા પંચવટી મેઇન રોડ ખાતે પહોંચ્યા હતા જ્યાં એક રખડતાં પશુને બપોરે સવા બે વાગ્યાની આસપાસ પકડી ખટંબા સ્થિત ઢોરવાડામા મૂક્યું હતું. આ પશુના માલિક રવિભાઇ નારાયણભાઇ રબારી જેઓ કરોડિયા રબારીવાસમા રહે છે તેમણે લોકોને જોખમાય તે રીતે રખડતાં પશુને છૂટા મૂકી ભયનું વાતાવરણ ફેલાય લોકોને ઇજા કે મૃત્યુ થાય તેવું કૃત્ય કર્યું હોય તથા ગુનાઇત માનસિકતા ધરાવતા આ પશુ પાલક દ્વારા ઢોર શાખાના કર્મીઓની ફરજમાં અડચણ ઉભી કરી વાહનને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરતાં તેની સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
