Vadodara

ગોરવામાં કોર્પોરેટરના કાર્યાલય પાસે વિકાસનો ખાડો પડ્યો

VMCની કચરા કલેક્શનની ગાડી ખાડામાં ફસાઈ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 11
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે શહેરભરમાં ખોદાયેલા વિકાસના ખાડાઓ હવે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. અનેક જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને બનાવાયેલા રસ્તાઓમાં વાહનો ફસાઈ જવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં ગોરવા વિસ્તારમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર રાજેશ પ્રજાપતિના કાર્યાલયની બહાર માર્ગ ઉપર પડેલા ખાડામાં વીએમસીની જ કચરા કલેક્શનની ગાડી ફસાઈ જતાં ચર્ચા જાગી હતી.

કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરામાં વિકાસના કામોને વેગ આપવા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. અનેક સ્થળોએ એકતરફી માર્ગ બંધ કરાતા વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે રસ્તાઓની હાલત કફોડી બની હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

અગાઉ પણ અનેક વખત રોડ બેસી જવાથી વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવો સામે આવ્યા છે. તાજેતરમાં કોર્પોરેટર રાજેશ પ્રજાપતિના કાર્યાલયની બહાર ખોદાયેલા ખાડાનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા, અહીંથી પસાર થઈ રહેલી વીએમસીની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીના પાછળના વ્હીલ ખાડામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ફરી એક વખત પાલિકાની વિકાસ કામગીરી અને તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

Most Popular

To Top