પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે પંપો પર વાહનચાલકોની લાંબી કતાર
પ્રતિનિધિ -ગોધરા , હાલોલ, બોડેલી
હાલ સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓ વાયુવેગે ફેલાઈ રહી છે જેની સીધી અસર સમગ્ર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. પંચમહાલના મુખ્ય મથક ગોધરા, હાલોલ અને શહેરા તાલુકા સહિત જિલ્લાના અનેક પેટ્રોલ પંપો પર સાંજે 6:00 વાગ્યા પછી વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અછતની બીકે અનેક બાઈક સવારો અને વાહનચાલકો પોતાના વાહનો ઉપરાંત વધારાના ડબલા અને કેન લઈને પંપો પર લાંબી કતારોમાં ઉભા રહી ગયા હતા. જેના કારણે અનેક સ્થળોએ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ ગંભીર પરિસ્થિતિને જોતા ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે.
હાલોલમાં લાગી વાહનોની લાંબી કતાર

મિડલ ઇસ્ટ માં ચાલી રહેલ ઈરાન અમેરિકા ઇઝરાયેલ યુદ્ધની અસરોના પગલે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે મોડી સાંજે હાલોલ નગરના પેટ્રોલ પંપ ઉપર તેમજ વડોદરા રોડ પર આવેલ જરોદ, આસોજ, બાસ્કા તેમજ હાઇવે પરના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ માટે વાહન ચાલકોની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી.
જબુગામ ખાતે એચ.પી પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ લગતા પેનિક

જબુગામ ખાતે એચ.પી પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ લગતા વાયુ વેગે પંથક માં પેટ્રોલ ડીઝલની અછત ની અફવાથી બોડેલીના પંપ ઉપર લાંબી કતારો લાગી હતી. ઈરાન અમેરિકા અને ઇઝરાઇલ વચ્ચે યુદ્ધ નો આજે 23 દીવસ જેટલો સમય વિતી ગયો છે પરંતુ યુદ્ધ દિવસેને દિવસે વધતું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે એની અસર હવે બોડેલી માં રાંધણ ગેસ ની અછત સર્જાઈ હતી અને હવે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવા ની વાયુ વેગે પંથકમાં ચર્ચા એ જોર પકડતા મોટરસાયકલ તેમજ વાહનોની લાંબી કતારો લાગી જતા અફરા તફરી નો માહોલ સર્જાયો છે. નોકરી ધંધા અર્થે મોટર સાયકલ તેમજ વાહનો અને હિટાચી મશીન નો મોટા પાયે ઉપયોગ કરતા ચાલકો ની ચિંતામાં વધારો થતા લોકો હવે પેટ્રોલ ડીઝલનો કારબોમાં તેમજ બોટલો લઈ સ્ટોક કરવાનું શરૂ કરી દીધું છે.જોકે કરણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો હાલ તો સ્ટોક છે પરંતુ જો કંપની દ્વારા પેટ્રોલ કે ડીઝલ પૂરતા પ્રમાણમાં સપ્લાય જો અટકી જાય તો કપરી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા આજના દ્રશ્યો દેખાવ આવતા વાહન ચાલકો એ સ્ટોક કરવાનું શરૂ કરી દેવામાં આવતા અફવાઓનું બજાર હાલ તો ગરમ હોવાથી લોકો ની ધીરજ ખૂટી પડતા લાબી કતારો લાગી ગઈ છે. આ સમગ્ર મામલે પેટ્રોલ પંપ ના માલિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ કેટલાક લોકો દ્વારા અફવાઓ ફેલાવવામાં આવતા વાહનોની લાબી કતારો લાગી ગઈ છે..