GEPL કંપનીની બેદરકારીથી અકસ્માતની સંભાવના
ગોધરા-દાહોદ હાઈવે પર સુરક્ષાનું જોખમ વધ્યું છે. 87 કિલોમીટર વિસ્તારમાં યુ-ટર્ન પોઈન્ટ્સની સિગ્નલ લાઈટો બંધ હોવાથી અને GEPL કંપનીની બેદરકારીથી અકસ્માતનું જોખમ વધ્યું છે .
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર સુરક્ષા જોખમ ઊભું થયું છે. ગોધરા એક્સપ્રેસવે પ્રાઈવેટ લિમિટેડ (GEPL) કંપની દ્વારા સંચાલિત ગોધરાના પરવડીથી દાહોદની ખંગેલા બોર્ડર સુધીના યુ-ટર્ન પર મોટાભાગની સિગ્નલ લાઈટો બંધ હાલતમા હોવાથી રાત્રી દરમ્યાન અકસ્માતનો ભય વધતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાત માંથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે 47 પર ગોધરાના પરવડીથી ગુજરાત-મધ્યપ્રદેશની ખંગેલા બોર્ડર સુધીના 87 કિલોમીટર વિસ્તારમાં GEPLની ગંભીર બેદરકારી સામે આવી છે, દાહોદથી લીમખેડા, દાભડા, ઢઢેલા, વલુન્ડી, કંબોઈ અને રામપુરા સહિતના અનેક યુ-ટર્ન પોઈન્ટ્સ પર સિગ્નલ લાઈટો બંધ હાલતમા છે. જેના કારણે વાહન ચાલકોને રાત્રી દરમ્યાન ખુબ જ તકલીફ પડી રહી છે, સિગ્નલ લાઈટ બંધ હોવાના કારણે અનેકવાર યુ-ટર્ન ઉપર અકસ્માત સર્જાઈ ચુક્યા છે, તેમ છતા ટોલ કંપની સિગ્નલ લાઈટ રીપેરીંગ કરવામા આવ્યા નથી.
ભથવાડા ટોલબુથનું સંચાલન કરતી GEPL કંપની દરરોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલે છે. પરંતુ માર્ગની સુરક્ષા અને સુવિધાઓની જાળવણી કરવામાં નિષ્ફળ રહી છે. રોડ ઉપર લગાવેલા દિશા સૂચક બોર્ડ તૂટેલા છે. રાત્રિ દરમિયાન સુરક્ષા માટેના રોડ સ્ટડ પણ ઉખડી ગયા છે. સોલર સંચાલિત રોડ સ્ટડ બિનઉપયોગી બન્યા છે. પરંતુ GEPL કંપની રોડનુ કોઈપણ પ્રકારનુ મેન્ટેનન્સ સમયસર કરતી નથી, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર 24 કલાક દરમિયાન હજારો વાહનોની અવરજવર થાય છે. કંપની સુવિધાના નામે વાહન ચાલકો પાસે તગડો ટોલ ટેક્સ વસુલ કરે છે. અમદાવાદ ઈન્દોર હાઈવે પર સૌથી વધુ ટોલ ભથવાડા ટોલબુથ પર વસુલવામા આવે છે તેમ છતા ટોલ કંપની દ્વારા વાહન ચાલકોની સુરક્ષા અને અકસ્માત ઘટાડવા કોઈપણ પ્રકારની કામગીરી કરવામા આવતી નથી જેના કારણે વાહન ચાલકોમા પણ ભારે રોષ ફેલાયો છે. દાહોદ જીલ્લામા અકસ્માતો ઘટાડવા માટે આરટીઓ અધિકારી અને જિલ્લા પોલીસવડા સતત કામગીરી કરે છે. પરંતુ ટોલ કંપનીની બેદરકારીના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે.
ભથવાડા ટોલ બુથ ના મેનેજર આશિષ કુમારે જણાવ્યું હતું કે ગોધરા દાહોદ વચ્ચે ના તમામ લાઈટો ચેક કરી ચાલું કરવાની ઈલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓ ને સુચના આપી છે
