ખેર લાકડાની ગેરકાયદેસર દાણચોરી કેસમાં EDની મોટી કાર્યવાહી
વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાથી તપાસની શરૂઆત
વડોદરા: અમદાવાદ ઝોનલ ઓફિસના એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ખેર લાકડાની ગેરકાયદેસર દાણચોરી અને તેમાંથી ઊભી થયેલી ગુનાની આવકના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ આરીફ અલી અમજદ અલી ખાન અને અન્ય આરોપીઓ સામે તપાસના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કામચલાઉ જોડાણ આદેશ (PAO) જારી કરી ગુજરાતના ગોધરા જિલ્લામાં આવેલી અંદાજે રૂ. 1.13 કરોડની કુલ 14 સ્થાવર મિલકતો જપ્ત કરી છે.
ED દ્વારા આ તપાસ વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ નોંધાયેલા ગુનાના આધારે શરૂ કરવામાં આવી હતી. આ ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંડવી દક્ષિણ રેન્જ, સુરત ફોરેસ્ટ ડિવિઝન દ્વારા નોંધાયો હતો, જેમાં ખેર લાકડાની ગેરકાયદેસર દાણચોરીનો આરોપ મૂકાયો હતો.
ફોજદારી કેસ મુજબ મુખ્ય આરોપીઓ મુસ્તાક આદમ તાસિયા, મોહમ્મદ તાસીયા, મોહમ્મદ તાહિર અહેમદ હુસૈન સહિત અન્ય ઇસમો ગુજરાતના વ્યારા, તાપી, સુરત, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લાઓના વન્યજીવન અભયારણ્યોમાંથી વન અધિકારીઓની પરવાનગી વિના ખેર વૃક્ષોની ગેરકાયદેસર કાપણીમાં સંડોવાયેલા હતા. બાદમાં આ લાકડું રાજ્યની સરહદો પાર પહોંચાડી વેચવામાં આવતું હતું.
*કરોડોની ગુનાની આવક, સંપત્તિ જપ્ત*
EDની તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓએ ગ્રે માર્કેટમાં ખેર લાકડું વેચીને કરોડો રૂપિયાની ગુનાની આવક ઊભી કરી હતી, જેના કારણે સરકારને ભારે નુકસાન થયું હતું. આ ગુનાની આવકમાંથી ખરીદવામાં આવેલી રૂ. 1.13 કરોડની સંપત્તિ ઓળખી કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે.
ED દ્વારા આ સમગ્ર નેટવર્ક અંગે વધુ નાણાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે.