વસો કોર્ટે 18 મૌખિક પુરાવા અને 35 લેખિત પુરાવા ધ્યાને લઈ સજા ફટકારી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.22
વર્ષ 2002માં ગોધરાકાંડ થયો અને તે પછી લોકોના મુદ્દામાલને નુકસાન થયુ. તે વખતે વસોના પીજ ગામના એક ઈસમે સરકારી રેકર્ડ સાથે ચેડા કરી અને ગ્રામ પંચાયતના મેળાપીપણામાં નુકસાન રીપોર્ટ નોંધાવી અને સરકાર પાસેથી 4 લાખનું વળતર મેળવ્યુ હતુ. આ મામલે વર્ષ 2010માં ફરીયાદ નોંધાઈ અને આજે 2002માં ઘટના બન્યા બાદ આજે 22 વર્ષે સરકારને ન્યાય મળ્યો છે અને ખોટી રીતે સરકારી વળતર મેળવનારા ઈસમને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
પીજ ગામ 2002ના ગોધરાકાંડમાં થયેલા કોમી તોફાનોમાં શરીફાબીબી પઠાણની મિલકત નં. 11/99માં નુકસાન થયુ હતુ અને જે મામલે શરીફાબીબીએ સરકારમાંથી વળતર મેળવ્યુ હતુ. આરોપી રહીમખાન સાહેબખાન પઠાણ આ 11/99 વાળી મિલકતમાં રહેતો હોવા છતાં પોતાની 11/98 વાળી મિલકતમાં નુકસાન થયેલુ છે, તેમ જણાવી અને ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી અજીતસિંહ ડાભીએ ખોટી આકારણી બનાવી આપવા ઉપરાંત સરપંચે ખોટા દાખલા લખી આપ્યા હતા અને તેના આધારે આ રહીમ પઠાણે સરકારમાંથી 4 લાખ રૂપિયા સહાય મેળવી હતી. જે મામલે 14/6/2010ના રોજ ફરીયાદ નોંધાઈ હતી અને 21/11/2015ના રોજ ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ મામલે 2018માં તહોમતનામુ ફરમાવાયુ અને 24 એપ્રિલ, 2024ના રોજ જજમેન્ટ પર આખી મેટર આવી ગઈ હતી. જે બાદ 22 ઓગસ્ટ, 2024 એટલે કે આજે ગુરુવારે આ મામલે વસો કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં કોર્ટે 18 મૌખિક પુરાવા પૈકી 10 પંચો, 7 સાહેદો અને તપાસકર્તા પોલીસ અમલદારના નિવેદનો ધ્યાને લીધા છે. તેમજ 35 જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હતા. સરકાર પક્ષે આ મામલે સરકારી વકીલ જે. એન. વાણંદે ધારદાર દલીલો ચલાવી હતી. જે તમામ ધ્યાને લઈ અને વસો કોર્ટના ન્યાયાધીશ જે. એચ. ભટ્ટ દ્વારા આ મામલે આરોપીને તકસીરવાન ઠેરવી અને 1 વર્ષની સજા ફટકારી છે અને 5 હજારનો દંડ ફટકાર્યો છે.