વડોદરા, તા.9 (પ્રતિનિધિ):
શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ જેવી સરકારી સંસ્થાઓ ગરીબો માટે આશાનું કિરણ ગણાય છે, પરંતુ વડોદરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હાલોલના અણખોલ ગામના 37 વર્ષીય રણજીતભાઈ નાયક નામના યુવાનનું સારવારના અભાવે મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો પરિવારે કર્યા છે. પ્લમ્બિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રણજીતભાઈને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા, જે બાદ તેમને ખાનગીથી લઈ સરકારી હોસ્પિટલોના ધક્કા ખાવા પડ્યા હતા. અંતે યોગ્ય સમયે સારવાર ન મળતા 11 વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઘટનાની વિગત મુજબ, રણજીતભાઈ પાવાગઢ ખાતે તેમના સાસરીમાં ગયા હતા ત્યારે અચાનક તબિયત લથડી હતી. તેમને પ્રથમ હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં લાખો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવતા ગરીબ પરિવાર તેમને પીપરિયા હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં વેન્ટિલેટર ખાલી નથી તેમ કહી દેવાતા અંતે તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખસેડાયા હતા.
પરિવારનો આક્ષેપ છે કે ગોત્રી હોસ્પિટલમાં ઇમરજન્સી હોવા છતાં કલાકો સુધી કોઈ તબીબે યોગ્ય સારવાર શરૂ કરી નહોતી. એક તરફ જ્યારે રાજકીય નેતાઓ કે કોર્પોરેટરો બીમાર પડે ત્યારે તંત્ર ખડેપગે થઈ જાય છે, ત્યારે બીજી તરફ રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે સરકારી હોસ્પિટલો કેમ સંવેદનહીન બની રહી છે? શું ઇમરજન્સી વોર્ડ માત્ર નામ પૂરતો જ છે?
આ ઘટનાએ સમગ્ર વડોદરાના આરોગ્ય તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ તો પત્ની અને 11 વર્ષના નિર્દોષ બાળકે ઘરનો કમાનાર મોભી ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પરિવારના ગંભીર આરોપો – “ડોક્ટરે કહ્યું ઠંડા પાણીથી નવડાવી દો!”
મૃતક રણજીતભાઈના પત્નીએ હોસ્પિટલ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “જ્યારે મારા પતિને સખત તાવ ચડ્યો હતો અને તેમનું શરીર ધગધગતું હતું, ત્યારે મેં ફરજ પરના ડોક્ટર અને મેડમને જાણ કરી હતી. તેમણે સારવાર કરવાને બદલે અત્યંત નફટાઈથી જવાબ આપ્યો કે ‘ઠંડું પાણી લાવો અને ભાઈને નવડાવી દો તો તાવ ઉતરી જશે.’”
વધુમાં સાડુભાઈએ આક્ષેપ કર્યો કે, “હું ફાઈલ લઈને બે કલાક સુધી ડોક્ટરો પાછળ દોડતો રહ્યો, પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નહીં. ઇમરજન્સી વોર્ડ હોવા છતાં ૧૨ કલાક સુધી કોઈ નક્કર ટ્રીટમેન્ટ ન થઈ અને અંતે અમે અમારો માણસ ખોઈ દીધો.”
: હોસ્પિટલ તંત્રના દાવા અને પરિવારના આક્ષેપો વચ્ચે વિરોધાભાસ
ગોત્રી હોસ્પિટલમાં બનેલી આ ઘટનાની ગંભીરતા છતાં હોસ્પિટલના સુપ્રિડેન્ડન્ટ ડૉ. અનુપ ચંદનાને આ મામલે શરૂઆતમાં જાણ જ નહોતી. બાદમાં તેમણે RMO કાટલાના પાસેથી વિગતો મંગાવી હતી.
RMO કાટલાનાએ દાવો કર્યો હતો કે, “દર્દીના પરિવાર સાથે એક કલાક ચર્ચા થઈ છે અને તેઓ સારવારથી સંતુષ્ટ છે.” જોકે જ્યારે મૃતકના પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ દાવાને નકારી કાઢ્યો હતો. પરિવારે રોષ સાથે જણાવ્યું કે, “RMO સાહેબે અમારી સાથે કોઈ વાત જ કરી નથી અને અમે સારવારથી જરાય સંતુષ્ટ નથી. ડોક્ટરોની બેદરકારીને કારણે જ રણજીતભાઈએ જીવ ગુમાવ્યો છે.”