Business

ગોત્રી હોસ્પિટલના PM રૂમનો ચોંકાવનારો રિપોર્ટ: 6 મહિનામાં 210 પોસ્ટમોર્ટમ

હાર્ટ એટેક અને અકસ્માતે લીધો સૌથી વધુ ભોગ!

હેલ્મેટ વગરની સવારી અને હૃદયની બીમારી પ્રત્યેની બેદરકારી જીવલેણ સાબિત થઈ; તબીબોએ 40ની ઉંમર બાદ હેલ્થ ચેકઅપ માટે કરી અપીલ

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવેલા અત્યાધુનિક પોસ્ટમોર્ટમ (PM) સેન્ટરને છ મહિના પૂર્ણ થયા છે. આ ટૂંકા ગાળામાં જ 210 જેટલા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે, જેમાંથી સૌથી વધુ કિસ્સાઓ માર્ગ અકસ્માત અને હાર્ટ એટેકના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મોટાભાગના કિસ્સાઓમાં હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાને કારણે ધ્યાન ભટકવું એ પણ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યું છે.
પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે હૃદયની નળીઓમાં બ્લોકેજના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તબીબોએ સલાહ આપી છે કે 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. માનસિક તણાવ, અનિયમિત અને બહારનો ખોરાક, બેઠાળું જીવન અને વધતું વ્યસન હાર્ટ એટેક માટે જવાબદાર છે. છાતીમાં દબાણ, ગભરામણ કે ડાબા હાથમાં થતા દુખાવાને સામાન્ય એસિડિટી સમજીને અવગણવાની ભૂલ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.
અહેવાલ મુજબ, નાની ઉંમરના વિદ્યાર્થીઓથી લઈને 30-35 વર્ષના યુવાનોમાં આત્મહત્યાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. આ બાબતે તબીબોએ જણાવ્યું કે ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સાયકિયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા ઉત્તમ કાઉન્સેલિંગની સુવિધા ઉપલબ્ધ છે. કોઈપણ સમસ્યા હોય તો વડીલો સાથે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આત્મહત્યા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી.
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અમુક ચોક્કસ અને લો-એન્ડ-ઓર્ડરના કિસ્સાઓમાં જ રાત્રિ પોસ્ટમોર્ટમ શક્ય છે. આ માટે પોસ્ટમોર્ટમ રૂમની બહાર કયા કેસોમાં રાત્રિ પીએમ થઈ શકે તેની વિગતવાર માહિતી દર્શાવતું બેનર પણ લગાવવામાં આવ્યું છે.
ગોત્રી હોસ્પિટલનું આ પોસ્ટમોર્ટમ સેન્ટર ભલે મૃત્યુનું કારણ સ્પષ્ટ કરતું હોય, પરંતુ તે જીવતા લોકો માટે એક સંદેશ છે કે સાવચેતી અને સ્વાસ્થ્યમાં રાખેલી જરા પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top