ટ્રાફિક પોલીસે સમયસૂચકતા વાપરી માર્ગ બંધ કરી નમી ગયેલા પોલને ઉતારવાની કામગીરી હાથ ધરી; વાહનવ્યવહારને અસર


વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે ગત મોડી રાત્રે એક અજાણ્યું ભારે વાહન વીજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડનો આખો પોલ રસ્તા પર નમી પડ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વ્યસ્ત ગણાતા આ માર્ગ પર ગમે ત્યારે પોલ ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી.
મળતી માહિતી મુજબ, ગોત્રી યશ કોમ્પ્લેક્સથી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર આ ઘટના બની હતી. રાત્રિના સમયે કોઈ ઊંચાઈવાળું ભારે વાહન પસાર થઈ રહ્યું હશે, જે ચાર રસ્તા પર લગાવેલા આ પોલ સાથે અથડાયું હતું. ટક્કર લાગતા જ પોલ પાયામાંથી વળી ગયો હતો અને વાયરો પણ તૂટી ગયા હતા. સવારના સમયે જ્યારે ટ્રાફિક વધ્યો ત્યારે નમી ગયેલો પોલ વાહનચાલકો માટે જોખમી જણાતા સ્થાનિકો અને પોલીસ હરકતમાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ વડોદરા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસે તાત્કાલિક અસરથી એક બાજુનો માર્ગ બેરિકેડ્સ લગાવીને બંધ કરી દીધો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી બે કર્મચારીઓને ઉપર મોકલી પોલને સુરક્ષિત રીતે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પોલ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ થનાર હતી. શહેરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે આ પ્રકારે બેદરકારીપૂર્વક વાહન ચલાવી જાહેર મિલકતને નુકસાન પહોંચાડનારા ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે કે કયા વાહન દ્વારા આ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.