છેલ્લા છ મહિનામાં ત્રીજી વાર
પાણીની લાઈનમાં ભંગાણ, લોકોમાં રોષ
વડોદરા શહેરના ગોત્રીમાં યશ કોમ્પ્લેક્સ પાસે આજે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોર્પોરેશનને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ પાણી લીકેજના સમારકામની શરૂઆત કરી હતી.
વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાને કારણે અવારનવાર પાણી ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ પડતા રહે છે. એટલું જ નહીં યોગ્ય રીતે માટી પુરાણ કરતા નહીં હોવાથી અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ભૂવા પણ પડતા રહે છે.
આજે ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ પડતા આખા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લિટર પાણી વેડફાટ થયો છે. ગોત્રી વિસ્તારમાં લોકોને પીવાના પાણીની તંગી સર્જાઇ હતી. ત્યારે કોર્પોરેશનને આ બાબતની જાણ થતા અધિકારીઓ દોડતા થયા હતા અને સ્થળ પર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી.
આ જ સ્થળે છેલ્લા છ મહિના માં ત્રીજીવાર પાણી ની લાઈન માં લીકેજ થતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. સાથે સાથે પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોના કામ પર પણ અનેક સવાલો ઉભા થયા છે.
