Vadodara

ગોત્રી રોડ પર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું



આળસુ તંત્રના ભોગે હજારો પરિવારને અસર


શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી રોડ ઉપર યશ કોમ્પલેક્સ પાસે આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે હજારો પરિવારને અસર પહોંચી હતી. બહાર નીકળી રહેલા પાણીના ધોધ પાસે તંત્રને બેરિકેટ લગાવી દેવાની ફરજ પડી હતી. રોડ પર પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
રવિવારના રોજ ગોત્રી વિસ્તારના ઇસ્કોન હાઈટ પાસે મુખ્ય માર્ગ પર આવીજ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હજારો ગેલન પીવાનું પાણી રોડ પર ફરીવડ્યું હતું.એક તરફ વિકાસ સપ્તાહ ની ઉજવણી ભાગ રૂપે શહેરને સજાવવામાં આવી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોમાં પીવાનું ચોખ્ખું પાણી ન મળતું હોય અને ફરિયાદો તારી ગામમાં આવતી હોય તેવામાં હજારો ગેલન પાણી નો વેડફાટ થઈ રહ્યો છે. પાલિકાના આળસુ અધિકારીઓ ના પાપે પ્રજાએ ભોગવવાનો વારો આવે છે.
વડોદરા મહાનગર સેવાસદનના ઈજારદારો દ્વારા પાણીની લાઈનની આડેધડ કરવામાં આવતી કામગીરીના કારણે અવારનવાર પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાતું હોય છે.ત્યારે આજે વધુ એક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગોત્રી વિસ્તારમાં લોકોને પાણીના વલખાં મારવાની ફરજ પડી હતી. આજે સવારે પાણીની મુખ્ય લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણીનો ધોધ વહેવા લાગ્યો હતો અને રોડ ઉપર જોતામાં પાણી ફરી વળ્યા હતા. એક તબક્કે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો.
ગોત્રી યશ કોમ્પલેક્સ પાસે મુખ્ય માર્ગ ઉપર જ પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી અને તંત્રને જમીનમાંથી નીકળી રહેલા પાણીના ધોધ પાસે બેરિકેટ લગાવી દેવાની ફરજ પડી હતી. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસના વિસ્તારોના લોકોને વહેલી સવારનું પાણી ઓછા પ્રેશરથી મળ્યું હતું. અંદાજે આ વિસ્તારના 2 લાખથી વધુ લોકોને ઓછા પ્રેશરથી પાણી મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એક જ સપ્તાહમાં એક જ વિસ્તારમાં વારંવાર હજારો ગેલન પાણીનો વેડફાટ થતા અને પૂરતું પાણી ન મળવાના કારણે પશ્ચિમ વિસ્તારના લોકો માં નારાજગી જોવા મળી તેઓનું કહેવું છે એક તરફ ઓછા પ્રેશરમાં પાણી મળે છે અને બીજી તરફ પૂરતું પાણી ન મળવાના કારણે બહારથી પાણી લાવવું પડતું હોય છે. ત્યારે હજારો પરિવારને પાણી વગર વલખા મારવા પડે છે અને બીજી બાજુ તંત્રના પાપે હજારો લિટર પાણી વેડફાટ થઈ રહ્યો છે તંત્ર જલ્દીથી જલ્દી સમારકામ કરી અમને પૂરતું પાણી મળી રહે તે માટેની અમે માંગ કરી રહ્યા છીએ.

મળેલી માહિતી પ્રમાણે, આજે સવારે પાણીની લાઈનમાં સર્જાયેલા ભંગાણના કારણે પાણી ન મળતા લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો હતો.જો કે, પાલિકા દ્વારા આ પાણીની લાઈન પૂર્વવત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ લોકોને પુનઃ પાણીનો પુરવઠો મળી રહે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top