Vadodara

ગોત્રી પોલીસ સ્ટેશન પાસે પાલિકાની દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ

મકાન માલિકો અને પાલિકા વચ્ચે તણાવ, પોલીસની હાજરીમાં પરિસ્થિતિ કાબૂમાં

નડતરરૂપ ઓરડીઓ તોડી રસ્તો કર્યું ખુલ્લો

રહેવાસીઓનો રોષ, “70 વર્ષથી અહીં રહીયે છીએ”

વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં પાલિકાની દબાણ શાખાની ટીમે આજે ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચારથી પાંચ મકાન જેવી કાચી-પાકી ઓરડીઓ ગેરકાયદેસર રીતે ઉભી કરાઈ હોવાને કારણે પાલિકા તંત્રએ પોલીસની હાજરીમાં બુલડોઝર ચલાવી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન રહેવાસીઓએ ભારે વિરોધ કરતા પાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જોકે ગોત્રી પોલીસે સમયસર મામલો સંભાળી લીધો હતો.

મળતી માહિતી મુજબ, ગોત્રી પોલીસ મથકની બાજુમાં કેટલીક ગેરકાયદેસર ઓરડીઓ બાંધવામાં આવી હતી. પાલિકા દ્વારા પહેલેથી જ આ જગ્યાએ જૂન મહિનામાં દબાણ દૂર કરાયું હતું. તેમ છતાં ફરીથી ત્યાં કાચા-પાકા મકાનો ઉભા કરાતા તંત્રએ આજે કાર્યવાહી હાથ ધરવી પડી. દબાણ શાખાના અધિકારીઓએ જણાવ્યું કે કુલ છ જેટલી ઓરડીઓ દબાણ હેઠળ હતી અને નવા ટીપી મુજબ રસ્તા પર આવેલા હોવાથી તોડી પાડવી પડી.
દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન સ્થાનીકો ભારે રોષે ચડ્યા હતા. મકાન માલિકોનું કહેવું હતું કે, “અમે છેલ્લા 70 વર્ષથી અહીં રહ્યા છીએ, અચાનક અમારી ઓરડીઓ તોડી પાડવામાં આવે છે. અમારે બાળકોને લઈને હવે ક્યાં જવું? અમને કોઈ નોટિસ કે આગોતરી સૂચના આપવામાં આવી નથી.” આ કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અને પાલિકા ટીમ સાથે રકઝક પણ સર્જાઈ હતી.

પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, “આ બાંધકામ ગેરકાયદેસર છે અને ટીપી મુજબ રોડ વિસ્તાર પર આવેલું હતું. દબાણ દૂર કરવાનું ફરજિયાત બન્યું હતું. જેના દબાણ હટાવવામાં આવ્યા છે, એવા લોકોને કલાલી તથા ભાયલી ખાતે સરકારની આવાસ યોજનામાં મકાનો ફાળવાયા છે. તેમની સુવિધા માટે સરકાર અને પાલિકા બન્ને તરફથી સહાય આપવામાં આવી રહી છે. છતાંય તેઓ દબાણ કરી રોડ પર રહે છે, જે યોગ્ય નથી.”

કાર્યવાહીની શરૂઆતમાં જ સ્થાનિકો ઉગ્ર બનતા પોલીસ મથકની ટીમને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. થોડું તણાવ સર્જાયું હોવા છતાં પોલીસે સમજાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. અંતે તંત્રએ તમામ ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તાને ખુલ્લો બનાવ્યો હતો.

Most Popular

To Top