નોકરી જાય તો ભલે, હવે મજૂરી કરીશું” કહી કર્મચારીઓનો ચેતવણીભર્યો અભિગમ
આઠ મહિના સુધીની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, કર્મીઓને સંઘર્ષે ઉતર્યા

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત ગોત્રી ગાર્ડનમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા સફાઈ કર્મચારીઓએ આજે વહાલા-દવલાની નીતિ તેમજ સમયસર પગાર ન મળવાના મુદ્દે ધરણા શરૂ કર્યું છે. કર્મચારીઓએ ગુસ્સામાં જાહેર કર્યું કે “હવે અમારે તમારું કામ કરવું નથી, નોકરી જાય તો ભલે, મજૂરી કરી લઈશું” એવી કટાર ચેતવણી સાથે તેઓ ધરણા પર બેસી ગયા.

સફાઈ કર્મચારીઓના જણાવ્યા મુજબ, બગીચાની સફાઈ શહેરની સુંદરતા જાળવવામાં પાયા રૂપ છે, છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અપૂરતા અને અસમાન વેતન આપવાનું ચાલુ રાખવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને રૂપિયા 6 થી 8 હજાર સુધીના જુદા જુદા પગાર આપીને વહાલા-દવલાની નીતિ અપનાવાય છે, જે તેઓ અસમાન ગણાવે છે. અનેક વખત ખાતરી આપ્યા છતાં પણ 15મી સુધી થનારા પગાર ક્યારેક 20મી સુધી પણ મળતા નથી, જેના કારણે કર્મચારીઓ પર આર્થિક સંકટ ઊભું થાય છે. બેંક ધિરાણના હપ્તા ભરવા ઉપરાંત ઘરના ખર્ચા સંભાળવામાં મુશ્કેલીઓ વધતી હોવાનો આક્રોશ તેમનો છે.
છેલ્લા આઠ મહિનાથી કર્મચારીઓએ પાલિકા તંત્ર તેમજ કમિશનરને લેખિત રજૂઆતો કરી છે, છતા કોઈ મૂળભૂત ઉકેલ આવ્યો નથી. આથી તેમના ધીરજનો પ્યાલો છલકાતાં આજે એકમતથી કર્મચારીઓએ કામ બંધ કરીને ધરણું શરૂ કર્યું. સાંજ સુધીમાં બગીચા વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ કર્મચારીઓએ વેતન અસમાનતા અને પગાર વિલંબનો પ્રશ્ન નિકાલ વ્હોરી લીધા વિના પાછું કામ શરૂ ન કરવાની ઠરાવેલો અભિગમ દર્શાવ્યો.
કર્મચારીઓનું કહેવું છે કે હવે તો નોકરી ગુમાવવાનો ભય પણ પૂરતો છે, છતાં તેઓ નીતિમાં ફેરફાર અને પગારની સમાનતા માટે લડવા તૈયાર છે. તેઓએ સ્પષ્ટ કહ્યું કે “અમે એકસરખું કામ કરીએ છીએ, પછી વેતનમાં ભેદભાવ કેમ? નોકરી જશે તો ભલે, મજૂરી કરીને જીવન ગુજારો કરીશું.”
ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મચારીઓના એકાએક ધરણાથી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. પાલિકા તંત્ર પર રોજગાર સુરક્ષા અને નિયમિત પગાર ચુકવણું સુનિશ્ચિત કરવાની માગ વધતી જાય છે. જો વહેલી તકે નિકાલ ન આવે તો શહેરના અન્ય બાગ-બગીચાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ આંદોલન સાથે જોડાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.