કોર્પોરેશનની ખોદકામની કામગીરીને પગલે માર્ગ સાંકડો બનતા સર્જાઈ હોનારત; ઇજાગ્રસ્ત બાઇક ચાલક હોસ્પિટલ ભેગો
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આજે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત ગોત્રીના ચંદ્રમોલેશ્વર મંદિર પાસેના માર્ગ પર બન્યો હતો, જેમાં બાઇક સવારને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, કોર્પોરેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં ખોદકામની કામગીરી ચાલતી હોવાથી આ મુખ્ય માર્ગને હાલ પૂરતો ‘વન-વે’ કરવામાં આવ્યો છે. રસ્તો સાંકડો હોવાને કારણે અને ટ્રાફિકનું ભારણ વધતા સામેથી આવતી ઇકો કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

અકસ્માતને પગલે બાઇક ચાલક રોડ પર પટકાતા તેને ઇજાઓ થઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને કારણે ગોત્રી રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રસ્તા પર ચાલતી ખોદકામની ધીમી કામગીરી અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે અવારનવાર આવા અકસ્માતો થતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.