તંત્રની બેદરકારીને કારણે પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી ગયું; એક તરફ પાણીની તંગી અને બીજી તરફ વેડફાટથી સ્થાનિકોમાં રોષ
વડોદરા: શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પાણીની બૂમરાણ મચી છે, ત્યારે બીજી તરફ પાલિકા તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી તળાવની બિલકુલ સામે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકોને કમોસમી વરસાદ કે ચોમાસા જેવો અનુભવ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી તળાવ પાસે પાણીની પાઈપલાઈનમાં અચાનક ભંગાણ પડ્યું હતું. પાઈપલાઈન તૂટવાને કારણે ખૂબ જ પ્રેશર સાથે પાણી બહાર નીકળવા લાગ્યું હતું. પીવાનું લાખો લિટર ચોખ્ખું પાણી રસ્તા પર વહીને છેવટે ગટરમાં ભેગું થઈ રહ્યું હતું. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હાલમાં એક બાજુ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ, પાલિકાના “તંત્રના પાપે” આ ભંગાણ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં જ્યારે શહેરના અનેક વિસ્તારો પાણીના ટીપા માટે તરસી રહ્યા છે અને પાણીનો કકળાટ છે, ત્યારે આ પ્રકારે હજારો ગેલન પાણીનો વેડફાટ તંત્રની નિષ્ફળતા છતી કરે છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈનોના મેન્ટેનન્સમાં ઉદાસીનતા રાખવામાં આવે છે. પાણીની લાઈનમાં થયેલા આ ભંગાણને કારણે આગામી સમયમાં આ વિસ્તારમાં પાણીના કાપ અથવા ઓછા પ્રેશરની સમસ્યા સર્જાઈ શકે છે. લોકોની માંગ છે કે તંત્ર સત્વરે આ ભંગાણનું સમારકામ કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં ભરે.