Vadodara

ગોત્રીમાં પાર્કિંગ વિવાદમાં યુવાનની હત્યા કરનારને ફાંસી આપો

અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન અને સમાજજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

વડોદરા : ગોત્રી વિસ્તારમાં બનેલા ચોંકાવનારા હત્યા કેસમાં ન્યાયની કડક માંગ ઉઠી છે. ધ એરોસ ફ્લેટમાં રહેતા 30 વર્ષીય અક્ષય નરેન્દ્ર કુરપાણેની પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં, એ જ ફ્લેટમાં રહેતા સુશીલકુમાર સિંઘ દ્વારા ચાકૂ ના ઘા ઝીંકી નિર્દયી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ વિસ્તાર તેમજ આખા શહેરને હચમચાવી દીધું છે.

પોલીસ મુજબ, ઘટનાની રાત્રે અક્ષય કુરપાણે અને સુશીલકુમાર સિંઘ વચ્ચે પાર્કિંગ સંબંધિત વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. ગુસ્સામાં આવી સુશીલકુમારે ચાકૂ મારતા અક્ષયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવ પછી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરાના નેતૃત્વ હેઠળ સર્વ મહારાષ્ટ્રીયન સમાજ તથા મૃતકના પરિવારજનો દ્વારા અગાઉ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી ખાતે આવેદનપત્ર આપી આરોપીને કડક સજા આપવા માંગ કરવામાં આવી હતી.

મંગળવારે, આ જ મુદ્દે પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને મળીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી લેખિત રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન આગ્રહ રાખવામાં આવ્યો હતો કે સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે અને આવી ઘટનાઓની પુનરાવૃતિ ન થાય તે માટે કડકતમ સજા ફરજિયાત છે.

યુવાઓમાં વધતી હિંસક પ્રવૃત્તિ અંગે ચિંતા…
રજુઆતમાં વધુમાં જણાવાયું કે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં યુવાઓ નાની-નાની બાબતો પર ગુસ્સામાં આવી પ્રાણઘાતી પગલું ભરી લે છે, જેના કારણે પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે. ગુનો ન માત્ર આરોપીના જીવનને બરબાદ કરે છે, પરંતુ પીડિત પરિવારના જીવન પર પણ પૂર્ણ વિરામ મૂકી દે છે.
સામાજિક આગેવાનોના મતે, આવા કેસોમાં ઝડપથી કડક ન્યાય આપવામાં આવે તો સમાજમાં સકારાત્મક સંદેશ ફરશે અને હિંસક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવશે.

Most Popular

To Top