Vadodara

ગોત્રીમાં એનઆઈઆરની કરોડોની જમીન પર ખોટો બાનાખત : બિલ્ડર સહિત બેની ધરપકડ

બનાવટી દસ્તાવેજના આધારે જમીન માલિક સામે ખોટો કેસ કરી ધમકી આપ્યાનો આક્ષેપ

અન્ય બે આરોપીઓ સામે પણ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
પ્રતિનિધિ, વડોદરા | તા. 20
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાના ઈરાદે બનાવટી બાનાખત તૈયાર કરી જમીન માલિકને ધમકી આપી છેતરપિંડી કરવાના ગંભીર કેસમાં ગોત્રી પોલીસે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૂળ કારેલીબાગ વિસ્તારમાં આવેલી ગુલમર્ગ સોસાયટીના રહેવાસી અને હાલ યુએસએમાં વસવાટ કરતા દિલીપભાઈ ભગવાનદાસ સોની (ઉ.વ. 68)એ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગોત્રીના સર્વે નંબર 249ની 8,701 ચોરસમીટર તથા સર્વે નંબર 292ની 12,849 ચોરસમીટર જમીન તેમણે વર્ષ 2007માં મૂળ માલિક ભરત મોહનભાઈ પટેલ સહિત 14 લોકો પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદી હતી.
જમીનનું ટાઇટલ ક્લિયર કરવા માટે આરોપી બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહે જવાબદારી લીધી હતી, જેના માટે જમીન માલિકે તેમને પાવર ઓફ એટર્ની પણ આપી હતી. ટાઇટલ ક્લિયર થયા બાદ આ કિંમતી જમીન માટે ડેવલપમેન્ટ કરાર પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ આરોપી બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ, વિજય ડી. પંચાલ, પી.કે. મોરે અને મયુરીકાબેન પ્રવિણ પટેલે ભેગા મળી જમીનનું ખોટું અને બનાવટી બાનાખત ઉભું કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવટી દસ્તાવેજના આધારે આરોપીઓએ નામદાર કોર્ટમાં દાવો દાખલ કરી જમીન માલિક સામે ખોટો કેસ કર્યો હતો તેમજ ખોટા બાનાખતને સાચા તરીકે ઉપયોગમાં લઈ ધમકી આપી છેતરપિંડી કરી હતી.
ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ભુપેન્દ્ર શાંતિલાલ શાહ (રહે. સુદેવ ડુપ્લેક્સ, કસ્તુરી નગર સોસાયટી, શ્રેયસ સ્કૂલ પાછળ, માંજલપુર), મયુરીકાબેન પ્રવિણ પટેલ (રહે. રતીલાલ પાર્ક, નાલંદા પાણીની ટાંકી રોડ, વાઘોડિયા રોડ, વડોદરા), વિજય ડી. પંચાલ (રહે. ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર, નવો બસ સ્ટેન્ડ, છાણી) તથા પી.કે. મોરે વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસે બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ શાહ અને વિજય ડી. પંચાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top