Vadodara

ગોત્રીના યશ કોમ્પ્લેક્સ નજીક નશામાં ધૂત કાર ચાલકને મહિલાએ પાઠ ભણાવ્યો

શહેરમાં નશામાં વાહન ચલાવવાના બનાવોમાં સતત વધારો, નાગરિકોમાં ભય
વાહન ચાલકનો પરિવાર સ્થળેથી નશાખોરને લઈ ગયો

પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની નબળાઈ સામે ફરી ઉઠ્યા પ્રશ્ન

વડોદરા: વડોદરા શહેરમાં નશામાં ધૂત વાહનચાલકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને પોલીસ પેટ્રોલિંગ તથા ચેકિંગના અભાવને લઈને ફરી સવાલો ઊઠ્યા છે. આવા જ એક બનાવમાં ગોત્રી વિસ્તારમાં યશ કોમ્પ્લેક્સ નજીક એક ઇકો (Eeco) કારના ચાલકે ભારે નશાની હાલતમાં ગફલતભરી ડ્રાઇવિંગ કર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચાલક એટલો નશામાં હતો કે ચાલવામાં પણ ફાફા મારતો હતો અને તેનું સંતુલન જળવાઈ શકતું નહોતું. એક મહિલાએ કારચાલકને મેથીપાક આપ્યો હતો, જેથી તેનું નશો ઉતરી શકે. ત્યારબાદ, ચાલકનો પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયો અને તેને ત્યાંથી લઈ ગયો. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હોવા છતાં, ઘટનાસ્થળે પોલીસની હાજરીમાં જ પરિવાર ચાલકને લઈ ગયો, જે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરે છે.

શહેરમાં આવા બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસો પહેલા પણ વડોદરાના બાજવા ગામમાં નશામાં ધૂત કાર ચાલકે એક બાળકને અડફેટેમાં લેતા ગંભીર રીતે ઘાયલ કરી દીધું હતું. આવા બનાવો માત્ર વાહનચાલકોની બેદરકારી જ નહીં, પણ પોલીસની લાપરવાહી અને નબળી ચેકિંગ વ્યવસ્થાને પણ ઉજાગર કરે છે.

નશામાં વાહન ચલાવવું માત્ર કાયદેસર ગુનો જ નથી, પણ અનેક નિર્દોષ લોકોના જીવ માટે પણ જોખમ છે. ‘સંસ્કારી નગરી’ તરીકે ઓળખાતા વડોદરામાં આવા બનાવો સામે કડક કાર્યવાહી અને સતત પેટ્રોલિંગની જરૂરિયાત છે. સ્થાનિક લોકો પણ પોલીસ પાસેથી વધુ જવાબદારીની અપેક્ષા રાખી રહ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન અને પોલીસ ચેકિંગની અસરકારકતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, જેને તાત્કાલિક ધોરણે ઉકેલવાની જરૂર છે.

Most Popular

To Top