બંધ મકાનમાં સરસામાનને પારાવાર નુકસાન :
ત્રણથી વધુ ગેસના બોટલ લીકેજ , જોખમી રીતે ફાટવાની અણીએ હતા : જયદીપ ગઢવી
( પ્રતિનિધી )વડોદરા,તા.13
વડોદરાના ગોત્રી વિસ્તારના એક મકાનમાં લાગેલી આગના બનાવને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લઇ લેતાં આસપાસના મકાનો બચી ગયા હતા. એક તબક્કે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જ્યારે મકાનમાં રહેલો સર સામાન બળીને ખાખ થયો હતો.

ગોત્રી વિસ્તારમાં આવેલા બારોટ ફળિયામાં બે માળના મકાનમાં ઉપરના બીજા માળે કિચનમાં આગ લાગી હતી.પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી,પરંતુ ગેસ સિલિન્ડર આગમાં લપેટાયેલો હોવાથી ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું મનાય છે. આગ એટલી ઝડપથી ફેલાઇ હતી કે કિચન અને ડ્રોઇંગ રૂમની તમામ ઘરવખરી તેમાં લપેટાઇ ગઇ હતી. જ્યારે આસપાસના મકાનોમાં પણ ધુમાડા છવાઇ ગયા હતા.

જો ફાયર બ્રિગેડ થોડી મોડી પડી હોત તો આ મકાનોમાં પણ આગ લાગવાની શક્યતા હતી. કોલ મળતા સાથે જ વડોદરા વાસણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બે ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સબ ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘરમાં ત્રણથી ચાર ગેસની બોટલ નીકળી છે અને લીકેજ હતા જે ફાટવાની શક્યતાઓ હતી અને ઘણું જોખમી હતું. હજુ સુધી આગનું ચોક્કસ કારણ મળવા નથી મળ્યું પરંતુ, રો-હાઉસ જેવું મકાન હતું જેથી કિચન અને ડ્રોઈંગ રૂમ સાથે હતું એટલે કિચનમાંથી આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. અમારા માટે સૌથી ચેલેન્જિંગ બાબત હતી કે અંદર એક ગેસની બોટલ લીકેજ હતી અને આસપાસ પડેલ અન્ય બોટલો આગમાં હતી. જેથી બાજુમાં રહેલી એક બોટલ આખી ફૂલીગઈ હતી અને તે ફાટવાની તૈયારી હતી. અમે સત્તત પાણીનો મારો ચલાવી બહાર ખેંચી લાવ્યા હતા. પરિવાર હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આજવા રોડ જેસિંગપુરામાં ખુલ્લી જગ્યામાં આગ

આજવા રોડ પર જેસિંગપુરા ખાતે પોદ્દાર સ્કૂલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ગેસ લાઈનમાં લીકેજ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. આગ ધીમે ધીમે પ્રસરી હતી. જ્યારે, બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને આગની ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી હતી. સદ નસીબે ખુલ્લી જગ્યા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.