Charotar

ગોઝારી ઘટના:આંકલાવમાં દિપાવલી ટાણે જ બે પરિવારના કુળદિપક બુઝાઈ ગયા…

આંકલાવના તળાવમાં નાહવા ગયેલ ત્રણ બાળકો ડૂબ્યાં, બે બાળકોના મોત, એક ગંભીર

સમગ્ર આણંદ જિલ્લામાં હાલમાં દિવાળી પર્વ અને નૂતનવર્ષની ઉજવણીનો માહોલ છવાયો છે ત્યારે આંકલાવ ખાતે ગોઝારી દુઘટર્ના બનતાં પંથક શોકમગ્ન બની ગયો છે. આંકલાવના તળાવમાં અજાણે પગ લપસી જતાં બાળકો ઉંડા પાણીમાં ડૂબી જતાં બે મોતને ભેટ્યા હોવાનો બનાવ બન્યો છે. 

  મળતી માહિતી મુજબ આંકલાવના કબીર નગર પાસે આવેલા તળાવમાં  ત્રણ બાળકો નાહવા માટે ઞયા હતાં. તે દરમિયાન અચાનક ત્રણે બાળકોનો પગ લપસતા ત્રણેય બાળકો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે બે બાળકોના ડૂબી જવાથી ઘટનાસ્થળે જ મોત કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આંકલાવમાં આવેલા કબીરવડ પાસે રહેતાં અને ખેતમજૂરી કરી રહેલ પરિવારના દક્ષ જનકભાઈ પઢીયાર ઉંમર વર્ષ 6, યુવરાજ મહેશભાઈ પઢીયાર  ઉંમર વર્ષ 3, જયેશ જનકભાઈ પઢીયાર ઉંમર વર્ષ 3 તેમજ અન્ય બાળકો તેમના ઘરની નજીક આવેલા તળાવ પાસે રમતા રમતા નહાવા માટે ગયા હતાં. તે દરમિયાન રમતાં રમતાં ત્રણેય બાળકોના પગ લપસતા ત્રણેય બાળકો તળાવના પાણીમાં પડ્યાં હતાં. તળાવનું પાણી ઉંડુ  હોવાથી દક્ષ જનકભાઈ પઢીયાર અને યુવરાજ મહેશભાઈ પઢીયાર પાણીમાં ડૂબી જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે જયેશ જનકભાઈ પઢીયારને બચાવી લેવામાં આવ્યો હતો. જેને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને મૃતક બાળકોના માતા પિતાએ આક્રંદ મચાવ્યુ હતું. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અને મૃતક બાળકોના પરિવારમાં ઘેરો શોક  છવાઈ જવા પામ્યો છે. આ ઘટનામાં એકસાથે કુટુંબના બે બાળકોના મોત થતાં પરિવારમાં દિવાળીના સમયમાં શોકનું વાતાવરણ છવાઈ જવા પામ્યું છે.

Most Popular

To Top