Vadodara

ગોકળગતિએ ચાલતી કામગીરી, જાગતા હનુમાન ચાર રસ્તા પાસે લાઇન ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ



( પ્રતિનિધિ )વડોદરા,તા.5

કમલાનગર તળાવ નજીક આવેલા જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા 15 દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે. છતાં પાણીની લાઈનની મરામતની કામગીરી કરવામાં નહીં આવતા દરરોજ હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

વડોદરા મહાનગર પાલિકામાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં સમાવિષ્ટ કમલાનગર તળાવ નજીક જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે, તેવામાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેને મરામતની પણ તસ્દી લેવામાં નહીં આવતા દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ રોડ પર ગોકળગતીએ ચાલતી કામગીરીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું નથી. ત્યાં દરરોજ પીવાના શુદ્ધ પાણીનો વ્યય થવા માંડ્યો છે. ત્યારે,સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top