પુલ નીચે કાર ખાબકતાં જ આગમાં ભડથું, ડ્રાઈવર ને ઝોંકુ આવી જતા અથવા ઘન ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી રહેતા કાર પરથી કાબૂ ગુમાવ્યો
પ્રતિનિધિ : બોડેલી
ગોંડલ હાઈવે પર વહેલી સવારે એક ગમગીન અકસ્માત સર્જાયો હતો. છોટાઉદેપુરના ત્રણ શિક્ષકો પોતાની હ્યુન્ડાઈ ઓરા કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ડ્રાઈવર ને ઝોંકુ આવી જવું અથવા ઘન ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી રહેતા કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડ પરથી ઉતરી પુલની બાજુએથી અંદાજે ૮ ફૂટ નીચે ખાબકી ગઈ હતી.
પુલ નીચે પડતાની સાથે જ કારમાં ઈંધણ લીકેજ અથવા શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માતની તીવ્રતાને કારણે કારના દરવાજા જામ થઈ ગયા હતા, જેથી અંદર બેઠેલા મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા અને થોડા જ સમયમાં કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી.

આ કરુણ અકસ્માતમાં છોટાઉદેપુરના પ્રયાગભાઈ ગણપતસિંહ બારીયા (ગ્રુપાચાર્ય, મોટી સઢલી), આશાબેન સત્યપાલ ચૌધરી (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા) તથા નીતાબેન એન્થની પટેલ (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા)ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર પંથકના ત્રણ શિક્ષકોના અચાનક અવસાનથી શિક્ષણ જગત સહિત સમગ્ર વિસ્તારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
રિપોર્ટર: સૈયદ ઝહીર