Vadodara

ગેસ સપ્લાય મુદ્દે કલેક્ટરના દાવા પોકળ, હોસ્ટેલોમાં ‘ચૂલા’ ઠરવાની ભીતિ

મેસ સંચાલકોની ચીમકી: જો આજે સાંજે સિલિન્ડર નહીં મળે તો વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવાનો વારો આવશે

(પ્રતિનિધિ), વડોદરા. તા.12

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાયમાં સર્જાયેલી ખેંચને પગલે હવે વિદ્યાર્થીઓના જઠરાગ્નિ પર સંકટ તોળાઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્ટેલ અને શૈક્ષણિક સંસ્થાઓને ગેસ સપ્લાયમાં પ્રાથમિકતા આપવાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. શહેરની અનેક હોસ્ટેલોમાં ગેસનો સ્ટોક ખલાસ થવાના આરે છે, જેના કારણે વિદ્યાર્થીઓના જમવા પર પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા એવી ખાતરી આપવામાં આવી હતી કે ગેસ વિતરણમાં હોસ્પિટલ અને હોસ્ટેલ જેવી આવશ્યક સેવાઓને પ્રાથમિકતા અપાશે. જોકે, શહેરની હોસ્ટેલના મેસ સંચાલકોનો આક્ષેપ છે કે ગેસ એજન્સીઓ પાસે વારંવાર રજૂઆત કરવા છતાં નવા સિલિન્ડર રિફિલ થઈ રહ્યા નથી. મેસમાં દરરોજ 200થી વધુ વિદ્યાર્થીઓ જમવા આવતા હોય છે. સવાર-સાંજનું ભોજન તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં ગેસની જરૂરિયાત રહે છે, પરંતુ હાલમાં સંચાલકો પાસે માત્ર એક દિવસ ચાલે તેટલો જ જથ્થો બાકી છે. હોસ્ટેલના સંચાલકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે કલેક્ટર કચેરીના આદેશોનો હવાલો આપીને એજન્સીઓ પાસે સિલિન્ડર માંગ્યા, છતાં અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જો આગામી 48 કલાકમાં ગેસનો પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે, તો અમારે મેસ બંધ કરવાની ફરજ પડશે. જો મેસ બંધ થાય તો બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓને મોંઘા ભાવનું બહારનું ખાવા મજબૂર થવું પડશે અથવા ભૂખ્યા રહેવું પડશે, જેની સીધી અસર તેમના અભ્યાસ પર પડી શકે છે.

મુખ્ય મુદ્દાઓ જે તંત્ર સામે સવાલ ઉભા કરે છે:
*પોકળ આશ્વાસન: જ્યારે તંત્રએ પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી, તો પછી એજન્સીઓ પાસે પુરવઠો કેમ નથી પહોંચ્યો ?
*વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ: ગેસની અછત સર્જાશે તેવું અગાઉથી જાણવા છતાં હોસ્ટેલો માટે કોઈ બફર સ્ટોકની વ્યવસ્થા કેમ ન કરાઈ ?
*સંચાલકોની મુશ્કેલી: બ્લેકમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા અથવા મેસ બંધ કરવી એ બે જ વિકલ્પો હાલ સંચાલકો પાસે બચ્યા છે.

Most Popular

To Top