હરણી નજીક ગોલ્ડન ચોકડી પર ભંગાણ થયું હતું:
વડોદરા: શહેરના લગભગ અડધા વિસ્તારમાં રવિવારે ગેસ પુરવઠો ખોરવાઈ જતાં આશરે 5 લાખથી વધુ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજની સુવિધા માટે ચાલી રહેલા માઇક્રો ટનલિંગના કામ દરમિયાન શહેરને ગેસ સપ્લાય કરતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતાં આ સ્થિતિ ઊભી થઈ હતી. સ્થળ પર ગેસનો જોરદાર ફૂવારો ઉડ્યો હતો, જેના કારણે તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરવો પડ્યો હતો. આ ભંગાણને કારણે પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારના દોઢ લાખથી વધુ ઘરોમાં ગેસ આવવાનો બંધ થઈ ગયો હતો. સોમવારે સવારે 7.15 વાગ્યાની આસપાસ હરણી સહિતના વિસ્તારોમાં પૂરવઠો શરૂ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો અને સવારની ચા બની શકી હતી. તમામ વિસ્તારોમાં 8 વાગ્યા સુધીમાં ગેસ લાઇન પૂર્વવત થઈ જવાની સંભાવના છે.

અચાનક ગેસ પુરવઠો બંધ થવાથી શહેરીજનોની દિનચર્યા ખોરવાઈ ગઈ હતી. અનેક વિસ્તારોમાં લોકો બપોરનું ભોજન પણ બનાવી શક્યા નહોતા, જ્યારે સાંજના ડિનર અને સવાર-સાંજની ચા માટે પણ લોકોને બહારના વિકલ્પો શોધવા પડ્યા હતા. ખાસ કરીને પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.

ઘટનાની જાણ થતાં જ વડોદરા ગેસ લિમિટેડ, વડોદરા મહાનગરપાલિકા અને અગ્નિશમન દળના અધિકારીઓ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. VMC તંત્ર દ્વારા ગેસ લાઇનના રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.

જોકે, આ ગંભીર ઘટના બાદ કેટલાક મહત્ત્વના સવાલો પણ ઉભા થયા છે. ગેસની મુખ્ય લાઈનમાં ભંગાણ કેવી રીતે પડ્યું? શું ડ્રેનેજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરની ટીમની નિષ્કાળજી હતી? કે પછી વિવિધ વિભાગો VMC, VGL અને કોન્ટ્રાક્ટર વચ્ચે કામગીરીના સંકલન અને આયોજનનો અભાવ હતો? આ પ્રકારની મુખ્ય લાઈન પાસેથી કામગીરી કરતાં પહેલાં પૂરતું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું તે અંગે તપાસ થવી જરૂરી છે. દોઢ લાખ ઘરોને અસર થતાં તંત્રના આયોજન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.