નંદેસરીની સ્ટીમ હાઉસ કંપનીની મુખ્ય લાઈનમાંથી સ્ટીમ લીકેજ થતા ગ્રામજનોમાં ફફડાટ
સેફટીના સાધનો વિના કામદારો જીવના જોખમે લીકેજ સ્ટીમના સમારકામ કરતા નજરે પડ્યા
નંદેશરી જીઆઇડીસીમાં અવારનવાર ગેસ ગળતરની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે તા.18 મંગળવારે વધુ એકવાર સ્ટીમ લીકેજ થતા ભારે ઉત્તેજના ફેલાઈ હતી.નંદેશરીની સ્ટીમ હાઉસ કંપનીની મુખ્ય લાઈન માંથી સ્ટીમ લીકેજ થવાથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. સાથે સાથે સબ સલામત હે ના દાવાઓ કરતા કંપની સંચાલકોની બેદરકારી પણ સામે આવી હતી. કામદારોને સેફટી ના સાધનો આપ્યા વગર લીકેજ થયેલ સ્ટીમના સમારકામ માટે મોકલી આપવામાં આવ્યા હતા. સેફટીના સાધનો વગર કામ કરતા કામદારોને જો કોઈ અકસ્માત નડ્યો હોત તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો પણ ગ્રામજનોમાં ઉદ્ભવ્યા હતા.

ત્યારે બીજા બનાવમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં એકલબારા રોડ ઉપર આવેલી ઝાયડસ કંપનીમાં ટેક્નિકલ એરિયામાં આઉટસાઇડ પ્લેનમાં યુટીલીટી એમએસની જુની લાઈન બદલીને નવી લાઈન નાખવાનું તેમજ 12 નંબરના રિએક્ટરના કન્ડેસર વેન્ડનો વાલ બદલવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મિથુન કુમાર અને અરબાઝ ખાન પ્લેટફોર્મ ઉપર ચઢીને 12 નંબરના રિએક્ટર ના કંડેસર વેન્ટનો વાલ્વ બદલવાનું કામ કરી રહ્યા હતા. તે વખતે ત્રણ બોલ્ટ ખુલ્યા હતા અને એક બોલ્ટ ખૂલતો નહીં હોવાથી અરબાઝ ખાન અન્ય પાનું લેવા માટે ગયો હતો અને પાનું લઈને ઉપર ચડતા મિથુનકુમાર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી કર્મચારીઓ દ્વારા કંપનીની એમ્બ્યુલન્સ મારફતે અટલાદરાની બી એ પી એસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો. જેનું મોત કોઈ અજાણ્યો ગેસ લાગવાને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. જ્યારે સમગ્ર બનાવ અંગે પાદરા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.