ઈરાન-ઇઝરાયેલ સંઘર્ષની સીધી અસર ગુજરાત પર; પાલિકાના ગેસ વડા સ્વપ્નિલ શુક્લાએ પુરવઠો યથાવત હોવાનું જણાવ્યું
વડોદરા: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયંકર સંઘર્ષની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNGની ઉપલબ્ધતામાં સર્જાયેલા વિક્ષેપને કારણે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઔદ્યોગિક ગેસ સપ્લાયમાં 50%નો તોતિંગ કાપ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, વડોદરાના નાગરિકો અને સ્થાનિક ઉદ્યોગો માટે રાહતના સમાચાર એ છે કે વડોદરામાં ગેસ સપ્લાયની સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર એવા મોરબી પર આ નિર્ણયની ગંભીર અસર પડી છે. ગુજરાત ગેસે ‘અનિવાર્ય સંજોગો’ હેઠળ ગેસ વેચાણ કરારની જોગવાઈઓ અમલી બનાવી છે. જે અંતર્ગત 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોને ફેબ્રુઆરીના સરેરાશ વપરાશના આધારે માત્ર 50% દૈનિક ક્વોટા ફાળવવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ એકમ નિર્ધારિત જથ્થા કરતા વધુ વપરાશ કરશે, તો પૂર્વ સૂચના વિના તેમનો પુરવઠો સ્થગિત કરી દેવામાં આવશે.
ભારત દર વર્ષે 2.7 કરોડ ટન LNGની આયાત કરે છે, જેમાંથી 40% જથ્થો એકલું કતાર પૂરું પાડે છે. ઈરાનના ડ્રોન હુમલા અને હોર્મુઝ સમુદ્ર માર્ગમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે કતારે પોતાનું ઉત્પાદન અને પરિવહન કામચલાઉ ધોરણે બંધ કર્યું છે. આ સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે અને શિપિંગ ખર્ચમાં પણ વૃદ્ધિ થઈ છે.
વડોદરામાં ગેસ પુરવઠો સુરક્ષિત: સ્વપ્નિલ શુક્લા…
રાજ્યભરમાં સર્જાયેલી આ ખેંચતાણ વચ્ચે વડોદરા માટે આશ્વાસનરૂપ સમાચાર છે. વડોદરા મહાનગરપાલિકાના ગેસ વિભાગના વડા સ્વપ્નિલ શુક્લાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “વડોદરા શહેર અને જિલ્લામાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિની સ્થાનિક સપ્લાય પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી, તેથી નાગરિકોએ કે સ્થાનિક વપરાશકારોએ ગભરાવાની જરૂર નથી.”