Vadodara

ગેસની અસરથી બે કામદારના મોત: કોન્ટ્રાક્ટર જયંતિ પટેલની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર

પ્રતિનિધિ, વડોદરા તા.28
અણખોલ પાસે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનમાં સુરક્ષાના સાધનો વિના બે કામદારોને ઉતારવાના બનાવમાં ગેસની અસરથી તેમના મોત નિપજ્યાં હતા. આ ગંભીર બનાવમાં પોલીસે મુખ્ય કોન્ટ્રાક્ટર જયંતિ અંબાલાલ પટેલની ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જોકે મેજિસ્ટ્રેટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મહેસાણાના વી.આઈ.પી.નગર ખાતે રહેતા જયંતિસુપર કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડના પ્રોપરાઇટર જયંતિ પટેલે વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (વુડા) પાસેથી હનુમાનપુરા, અણખોલ, બાપોદ અને ખટંબા વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ટેન્ડર મેળવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ પેટા કોન્ટ્રાક્ટ આપવાનો મનાઈ હોવા છતાં આરોપીએ ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ એલએલપી, અમદાવાદના પ્રોપરાઇટર સંજય માધવજી ખુટને ગેરરીતે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ડ્રેનેજ સફાઈ દરમિયાન કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો – જેમ કે ગેસ ડિટેક્ટર, ઓક્સિજન માસ્ક અથવા સેફ્ટી બેલ્ટ – વિના બે કામદારો અક્ષય ભાભોર અને વિપુલ માંગરોલિયાને મેનહોલમાં ઉતારવામાં આવ્યા હતા. દરમિયાન ઝેરી ગેસની અસરથી બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ડીવાયએસપી મિલન મોદીની આગેવાનીમાં પોલીસે જયંતિ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. સંજય ખુટની ધરપકડ માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે.

Most Popular

To Top