Vadodara

ગેરકાયદે ગોગો પેપર વેચતા વેપારીઓ સામે પોલીસનો સપાટો

સયાજીગંજ વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોની ધરપકડ

વડોદરા, તા. 17

વડોદરા શહેરમાં સગીરો અને યુવાનો ચરસ-ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન તરફ ધકેલાઈ રહ્યા છે, ત્યારે આવા નશાનો ઉપયોગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રતિબંધિત વસ્તુઓનું ગેરકાયદે વેચાણ રોકવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ જેવી પ્રતિબંધિત સામગ્રી વેચતા વેપારીઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે.

સયાજીગંજ પોલીસનું વિશેષ અભિયાન

સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે મળેલી બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળે રેડ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર વેચતા બે દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

જગદીશ લોજ પાસેના પાનના ગલ્લામાં રેડ

પોલીસને મળેલી માહિતી અનુસાર જગદીશ લોજની નીચે આવેલા સમ્રાટ પાનના ગલ્લામાંથી પ્રતિબંધિત ગોગો રોલનું વેચાણ કરવામાં આવતું હતું. જેના આધારે પોલીસે ગલ્લામાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી
STASH PRO કંપનીનું ગોગો રોલ કોનનું બોક્સ (50 નંગ),
STASH PRO EMERGENCY SUPPLY 3×3 BROWN બોક્સ (ચપટી રોલિંગ પેપર પટ્ટી – 50 નંગ)
મળી આવ્યા હતા. આ મામલે દુકાન માલિક હરિશ ઘનશ્યામ મહાવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


રેલ્વે સ્ટેશન નજીક કેબિનમાંથી પણ ગેરકાયદે વેચાણ ઝડપાયું

આ ઉપરાંત વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6ની પાછળ આવેલા ગેર્લોર્ડ દુકાન પાસેના કેબિનની તપાસ દરમિયાન પણ પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. અહીંથી

STASH PRO કંપનીનું ગોગો રોલ કોનનું બોક્સ (56 નંગ),
STASH PRO EMERGENCY SUPPLY 3×3 BROWN બોક્સ (ચપટી રોલિંગ પેપર પટ્ટી – 50 નંગ)
ઝડપવામાં આવ્યા હતા. આ કેબિનના માલિક દેવેન્દ્ર બજરંગ અગ્રવાલને પકડી પાડી તેની સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નશા વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે : પોલીસ

પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે યુવાનોને નશાની લતથી બચાવવા માટે પ્રતિબંધિત નશાકારક સામગ્રી અને તેના સાધનોના ગેરકાયદે વેચાણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Most Popular

To Top