શિનોરમાં મામલતદારની કાર્યવાહી
શિનોર:
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું હતું. તા. 22 ડિસેમ્બરના રોજ શિનોર મામલતદાર દ્વારા બિનઅધિકૃત રીતે લાકડા અને રેતી વહન કરતા બે ટ્રેક્ટર ઝડપી પાડી જપ્ત કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, તા. 22 ડિસેમ્બરે સાંજના અંદાજે 5 વાગ્યાના અરસામાં સુરાશામળથી મીઠોળ મેઈન રોડ પર નંબર વગરનું એક ટ્રેક્ટર-ટ્રોલી શંકાસ્પદ રીતે પસાર થતું હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન તેમાં ગેરકાયદેસર રીતે લાકડાની ચોરી કરીને લઈ જવાતી હોવાનું બહાર આવ્યું હતું. ટ્રેક્ટર ચાલકે જણાવ્યું હતું કે મહેશ નામના વ્યક્તિએ લાકડા કપાવ્યા છે અને તે કુરાલી મુકામે આવેલા બેન્સામાં લઈ જવાના છે. જોકે, લાકડા પરિવહન માટે કોઈપણ પ્રકારનો આધાર, પરમિટ કે પુરાવો રજૂ કરી શક્યો નહોતો. આથી શિનોર મામલતદારને જાણ કરવામાં આવતા સર્કલ ઓફિસર સ્થળ પર પહોંચ્યા અને બિનઅધિકૃત રીતે લઈ જવાતા લાકડા સાથે ટ્રેક્ટર તથા ટ્રોલી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત, એ જ દિવસે રાત્રિના સમયે નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરીને વહન કરાતું એક અન્ય ટ્રેક્ટર સુરાશામળ રોડ પરથી ઝડપાયું હતું. પાસ-પરમિટ વગર રેતી વહન થતી હોવાથી આ ટ્રેક્ટરને પણ જપ્ત કરવામાં આવ્યું હતું અને સંબંધિત નિયમો મુજબ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન અને લાકડા ચોરી જેવા બે નંબરના ધંધાઓ લાંબા સમયથી ફૂલેફાલે છે તેવી ચર્ચા વચ્ચે મામલતદાર દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર: અમિત સોની