Vadodara

ગેબિયન વોલની સમાન કામગીરી માટે બે અલગ-અલગ ભાવોની દરખાસ્ત રજૂ

મહાપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ પાંચ કામોની દરખાસ્ત રજૂ કરાઇ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી કિનારે સુરક્ષા માટે વધુ એક પગલું

શહેરમાં ગત વર્ષના પુરના ભયંકર અનુભવ બાદ ફરી આવું ન બને તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીની આજુબાજુના બ્રિજોને સુરક્ષિત રાખવા માટે ગેબિયન વોલના મોટા પાયાના કામ માટે બે અલગ-અલગ ટેન્ડરોની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ બ્રીજ નજીક ગેબિયન વોલ નિર્માણના કુલ રૂ. ૪૨.૭૪ કરોડના અંદાજ સામે ૧૪.૧૩% ના ઓછા દરે રૂ. ૩૬.૭૦ કરોડના ટેન્ડર માટે મે. બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ને પસંદ કરાયું છે. બીજી તરફ, શહેરના અન્ય વિસ્તારોમાં સમાન પ્રકારની કામગીરી માટે રૂ. ૪૦.૪૭ કરોડના અંદાજ સામે ૯.૯૯૯% ના ઓછા દરે રૂ. ૩૬.૪૨ કરોડનું બિનશરતી ટેન્ડર મેઇ. દિનેશચન્દ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રા પ્રા. લિ. દ્વારા રજૂ કરાયું છે. અહીં ધ્યાન દેવા જેવી વાત એ છે કે, બંને ટેન્ડરોની કામગીરીનું સ્વરૂપ લગભગ સમાન છે. ગેબિયન વોલ દ્વારા નદીકાંઠાના મહત્વપૂર્ણ માળખાંને સુરક્ષિત બનાવવાનું છે. છતાં, બે અલગ ઈજારદારો દ્વારા જુદા જુદા દરે ટેન્ડર રજૂ કરવામાં આવ્યા છે. આ બન્ને કામગીરી માટેના ખર્ચ માટે મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદી પુનર્વ્યવસ્થાપન પ્રોજેક્ટના બજેટ હેડમાંથી ખર્ચ કરશે.

Most Popular

To Top