Vadodara

ગૃહ રાજ્ય મંત્રીના કાર્યક્રમમાં ચક્કર આવતા ઢળી પડેલા દિવ્યાંગ આચાર્યનું મોત

કાર્યક્રમ શરૂ થવાના કલાકો પહેલાજ સંબંધિત વિભાગોના અધિકારીઓ , કર્મચારીઓને બોલાવી લેવાયા હતા :

સમયસર સારવાર મળી હોત તો આચાર્યનો જીવ બચી શક્યો હોત :

( પ્રતિનિધી )વડોદરા,તા.8

શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ નિમિતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ કાર્યક્રમનું આયોજન આજવા રોડ ખાતેના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરસાલી આઈટીઆઈમાં ફરજ બજાવતા દિવ્યાંગ આચાર્ય તેજસ દરજીને ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જેઓને તાત્કાલિક 108 મારફતે તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે બાપોદ પોલીસે મૃતદેહને પીએમ માટે એસએસજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વડોદરા ખાતે યોજાયેલા યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભમાં બુધવારના રોજ એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. સમારંભમાં ફરજ દરમિયાન ખેંચ આવતાં ઢળી પડેલા આઈટીઆઈ તરસાલીના આચાર્યનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર આજવા રોડ પંડિત દિન દયાળ ઉપાધ્યાયનગર ગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં તરસાલી તળાવની સામે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી તેજલ પાર્ક સોસાયટીમાં રહેતા 44 વર્ષીય દિવ્યાંગ અધિકારી અને આઈટીઆઈ તરસાલીના આચાર્ય તેજસ વાસુદેવ દરજી ફરજ પર હાજર હતા. ત્યારે, આશરે દોઢ વાગ્યે અચાનક તેઓને ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને લઈ હાજર સૌ કોઈમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત આચાર્ય તેજસભાઈને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોણા બે કલાકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આચાર્યના દુઃખદ અવસાનને લઈ ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ચાલી રહેલા આ મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમમાં આ દુર્ઘટના સર્જાતાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આચાર્યના અવસાનથી સરકારી તંત્ર અને શિક્ષણ જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાના સમયે હાજર સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આચાર્યને ખેંચ આવી હતી પડી જવાથી તેમના માથાના ભાગેથી લોહી પણ નીકળ્યું હતું. બધા ભેગા થઈ ગયા હતા અને કઈ હોસ્પિટલમાં લઈ જઈએ એની અંદરો અંદર વાતોએ વળગ્યા હતા. જો સમય સર તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોત તો તેમનો જીવ બચી શક્યો હોત.

Most Popular

To Top