Vadodara

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની સમીક્ષા : 100 દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનું લક્ષ્ય


45 દિવસમાં 50% કાર્ય પૂર્ણ; લોકોના સહયોગ અને મોરલ સપોર્ટની જરૂરિયાત

વડોદરા: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આજે રેલ માર્ગે વડોદરા આગમન થયું હતું . રેલવે સ્ટેશન પર રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા સ્થળ પર પહોંચ્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટના સ્થળ પર ગૃહમંત્રીને પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ નકશા સહીત વિગતવાર માહિતી આપી. આ તકે મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને પ્રોજેક્ટ માટે 24 કલાકમાં કામગીરી શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને પાલિકા જે વચન આપે છે, તે સમગ્ર રીતે પૂર્ણ થશે અને આવનારા વરસાદ પહેલા જરૂરી કામગીરી સંપન્ન કરવામાં આવશે.

તેઓએ જણાવ્યુ હતું કે, “વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત 24 કિમી વિસ્તારમાં કામ કરવાનું છે. 100 દિવસમાં કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેમાંથી માત્ર 45 દિવસમાં 50 ટકા કરતાં વધુ કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે. આ દેશનું પહેલું શહેર બન્યું છે, જ્યાં ટેન્ડરીંગ પૂર્ણ થયા બાદ પણ આટલી ઝડપથી કાર્ય થયું છે.”

પ્રોજેક્ટના મહત્વની ચર્ચા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્ય વર્ષો સુધી શહેર માટે લાભદાયી સાબિત થવાનું છે. સિંચાઈ વિભાગ સહિતના વિવિધ વિભાગો પણ કાર્યમાં જોડાયા છે. આ સફળતા માટે તેમણે વાડોદરા પાલિકા ટીમને અભિનંદન આપ્યા અને તમામ નાગરિકોને મોરલ સપોર્ટ આપવાની અપીલ કરી.

વડોદરા શહેર પોલીસ, વડોદરા ગ્રામ્ય પોલીસ, એસ.આર.પી. ગ્રુપ-૧ અને એસ.આર.પી. ગ્રુપ-૯ માં વડોદરાના વિવિધ ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમો ગૃહરાજ્ય મંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાયા. આ કાર્યક્રમો વડોદરામાં પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટેના મહત્વપૂર્ણ પગલાંરૂપે લેવામાં આવ્યા છે. હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો વડોદરાના વિકાસ અને સુરક્ષા ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચવા માટેનું પ્રતીક છે.

Most Popular

To Top