પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે ગૃરું પૂર્ણિમાની અનોખી ઉજવણી
વ્યવસાયિક ગુરુત્વ વિષયક વિશેષ વ્યાખ્યાન યોજાયું

( પ્રતિનિધિ )વડોદરા,તા.9
એમએસયુની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આજે ગુરુ પૂર્ણિમા મહર્ષિ વ્યાસ જયંતિના પવિત્ર અવસરે એક વૈચારિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Teacher as a Professional વિષયક વિશેષ વ્યાખ્યાન આ પ્રસંગે યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણક્ષેત્રમાં ગુરુત્વના આધુનિક અર્થને સમજાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું હતું.

પ્રો.આર.જી.કોઠારી જે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ એમ.એસ. યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના પૂર્વ ડીન તરીકે લાંબા સમયથી શિક્ષણક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી ચૂક્યા છે, તેઓ મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શિષ્યો, વિદ્વાન પ્રાધ્યાપકો અને યુનિવર્સિટી પરિવારના સભ્યો દ્વારા હર્ષભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી સાથે સાથે આ વ્યાખ્યાનને સંપૂર્ણ સ્મરણિય બનાવવામાં આવ્યું હતું. પ્રો.કોઠારીએ તેમના ઊંડા જ્ઞાન અને અનુભવો સાથે આ સંવાદને સજાવી દીધો તેમણે શિક્ષક તરીકે વ્યાવસાયિકતા શું છે અને એ કેટલા સ્તરે ઊંડાણપૂર્વક વિચાર કરવાની બાબત છે તે સમજાવ્યું હતું. તેમણે ત્રણ મૂળભૂત બાબતો પર ભાર મૂક્યો હતો. જેમાં Care for Students – શિક્ષકના વ્યવહારનું મૂળ બાળકની ભલાઇ માટે હમેશાં ધ્યાન રાખવું જોઈએ. Capability Building – શિક્ષક પોતે પણ સતત શીખતો રહે અને વિદ્યાર્થીઓ માટે નવો દ્રષ્ટિકોણ આપે. Consistent Communication – શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચે સતત સંવાદ અને સહકાર અતિઆવશ્યક છે. તેમણે યુનિવર્સિટીનું શિક્ષણ ફક્ત સિદ્ધાંતપૂર્વક જ નહીં. પરંતુ કાર્યક્ષેત્રમાં કેવી રીતે ઉતારી શકાય તે વિશે વિદ્યાર્થી મંડળ સાથે ઉત્તમ સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં પ્રવૃત્તિશીલતા, સ્પષ્ટ વિચારશક્તિ અને ગુરુના પ્રતિ વિશ્વાસ વધે તેવા ઉત્તમ ઉદાહરણો આપ્યાં હતા. કાર્યક્રમના અધ્યક્ષપદે ડો.રાજેશ કેલકર, ઈન્ચાર્જ ડીન, ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સે તેમના પ્રવચનમાં ગુરુ પૂર્ણિમાની ભારતીય સંસ્કૃતિમાં મૂલ્યમય ભૂમિકા અને ગુરુશિષ્ય પરંપરાની મહત્તા ઉપર પ્રકાશ પાડ્યો. તેમણે પ્રો. કોઠારીના આજીવન શિક્ષણક્ષેત્રમાં થયેલા યોગદાનને વખાણીને સૌને વિચારશીલ બનાવ્યાં હતા.