Editorial

ગુનેગારોની સજા માફી : એક વિવાદાસ્પદ મુદ્દો

હાલમાં અમેરિકી  પ્રમુખ જો બાઇડને ૧૫૦૦ જેટલા લોકોને સજાઓમાં માફી આપી છે જેમાં ચાર ભારતીય અમેરિકનોનો પણ સમાવેશ થાય છે જેઓ ૧૭ વર્ષથી લઇને આજીવન કેદ સુધીની સજાનો સામનો કરી રહ્યા હતા. અમેરિકામાં એક જ દિવસમાં ગુનેગારોને પ્રમુખ તરફથી માફી આપવામાં આવી હોય તેનો આ સૌથી મોટો આંકડો છે. અને આ બાબત થોડી ચર્ચાઓ પણ જગાડી શકે છે. અમેરિકામાં એવી જોગવાઇ છે કે જેઓ હિંસક ગુનાઓમાં સંડોવાયેલા ન હોય અને આર્થિક કે કેફી દ્રવ્યોના સેવન કે વિતરણ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોય અને સજા દરમ્યાન તેમણે જેલમાં સારી ચાલચલગત બતાવી હોય અને સુધરી જવા માટેના સંકેતો બતાવ્યા હોય તેમની સજા પ્રમુખ માફ કરી શકે છે કે તેમની સજા ઘટાડી શકે છે. જો કે પ્રમુખ દેખીતી રીતે પોતાને મનફાવે તેમ સજા માફ કરી શકતા નથી તેમણે સમિતિ તરફથી અપાયેલ માહિતી અને અભિપ્રાય પર આધાર રાખવાનો હોય છે.

પ્રમુખ તરીકે મને તે લોકો પ્રત્યે દયા દાખવવાનો મોટો વિશેષાધિકાર છે જેમણે પસ્તાવો અને સુધારો દર્શાવ્યો છે, અમેરિકનો તેમના દૈનિક જીવનમાં ભાગ લઇ શકે અને તેમના સમાજોમાં ફાળો આપી શકે તે માટે અને બિન-હિંસક ગુનેગારો, ખાસ કરીને ડ્રગ્સના ગુનાઓમાં દોષિત ઠરેલા લોકોને માફી આપવાનો અધિકાર છે એ મુજબ બાઇડને આજે એક નિવેદનમાં જણાવ્યું હતું. અને આથી હું તે ૩૯ લોકોને માફ કરું છું કે જેમણે સફળ રીતે પુનર્વસન દર્શાવ્યું છે અને તેમના સમાજોને વધુ મજબૂત અને વધુ સલામત બનાવવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે. હું તે ૧૫૦૦ લોકોની સજા પણ ઓછી કરું છું જેઓ લાંબા સમયથી જેલની સજા કાપી રહ્યા છે – અને તેમનામાંના ઘણાને જો આજના કાયદાઓ, નીતિઓ અને વ્યવહારો હેઠળ સજા થઇ હોત તો ઓછી સજા થઇ હોત એમ તેમણે કહ્યું હતું.

આપણા માટે નોંધપાત્ર બાબત એ છે કે જેમને બાઇડન દ્વારા માફી આપવામાં આવી છે તેમાં ચાર ભારતીયો પણ છે. જેમને માફી આપવામાં આવી છે તે ભારતીયો મીરા સચદેવ, બાબુભાઇ પટેલ, કૃષ્ણા મોટે અને વિક્રમ દત્તા છે. ડિસેમ્બર ૨૦૨૨માં ડો. મીરા સચદેવને ૨૦ વર્ષની જેલની સજા થઇ હતી અને તેઓ જે ચલાવતા હતા તે મિસિસિપી કેન્સર સેન્ટર ખાતે થયેલી છેતરપિંડી બદલ ૮૨ લાખ ડોલર ભરપાઇ કરી આપવા આદેશ અપાયો હતો. તેઓ હાલ ૬૩ વર્ષના છે.

બાબુભાઇ પટેલને એક હેલ્થકેર કાવતરા અને એક ડ્રગ કાવતરા અને તેને લગતી છેતરપિંડીઓ વગેરે બદલ ૨૦૧૩માં ૧૭ વર્ષની સજા થઇ હતી. ૨૦૧૩માં જ ક્રિષ્ના મોટે(પ૪ વર્ષ)ને ૨૮૦ ગ્રામ ક્રેક કોકેઇન અને પ૦૦ ગ્રામ કરતા વધુ કોકેઇન વેચવા જેવા ગુનાઓ બદલ આજીવન કેદની સજા થઇ હતી. જાન્યુઆરી ૨૦૧૨માં  વિક્રમ દત્તા(૬૩ને તેના પરફ્યુમ વિતરણના ધંધાનો ઉપયોગ એક મેક્સિકન નાર્કોટિક્સ ઓર્ગેનાઇઝેશન માટે લાખો ડોલરના મની લોન્ડરિંગ માટે કરવા દેવા બદલ એક ફેડરલ કોર્ટ દ્વારા ૨૩૫ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી. આ લોકો આર્થિક અને કેફી દ્રવ્યોના ગુનાઓમાં સંડોવાયેલા હતા.

આર્થિક ગુનાઓનું નુકસાન ભરપાઇ કરી દેવાય અને જેલમાં સારી ચાલ ચલગત બતાવી હોય તો આવા ગુનેગારોને માફી આપવામાં આવે તે સમજી શકાય પરંતુ કેફી દ્રવ્યોના વેચાણ કે વિતરણના આરોપીઓને કેવી રીતે માફી આપી શકાય તે એક વિચારણાની બાબત છે. પરંતુ સમગ્ર કેસના ગુણદોષ જોઇને અમેરિકામાં આ બાબતમાં માફી આપવામાં આવતી હશે એમ માની શકાય.

સજામાં માફી એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. અમેરિકામાં જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ બાબત વિવાદ પેદા કરે તેવી છે. અમેરિકામાં હત્યા, બળાત્કાર જેવા હિંસક ગુનાઓના આરોપીઓને માફી આપવામાં આવતી નથી. આવા કેસના આરોપીઓ સમાજ માટે ભયજનક ગણાય છે. આપણા ગુજરાતમાં કેટલાક સમય પહેલા ગોધરાકાંડ વખતના હિંસા, બળાત્કારના કેટલાક આરોપીઓની રાજ્ય સરકારે સજા ઘટાડી અને તેમને જેલમુક્ત કર્યા તે બાબતે ભારે વિવાદ થયો હતો અને બાદમાં સુપ્રીમ કોર્ટે તેમને પાછા જેલમાં મોકલ્યા હતા. બાઇડને હાલમાં પોતાના પુત્ર હંટરને માફી આપી તે પણ એક વિવાદસ્પદ મુદ્દો રહ્યો છે.

Most Popular

To Top