Gujarat

ગુજરાત સરકારની સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહો

*પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી, રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ: અધિક મુખ્ય સચિવ મોના ખંધાર*
વડોદરા:
ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે.

આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.

અધિક મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-IOCLના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલના ડેપો અને ટર્મિનલ્સમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે. જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી અને ગમે ત્યારે જોઈએ તેટલું ઈંધણ મળી રહેશે.

ભારતના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે, ઓઈલ કંપનીઓએ સપ્લાયના કલાકો વધાર્યા છે અને જથ્થામાં પણ વધારો કર્યો છે. વધુમાં, સોશિયલ મીડિયામાં આવતા ખોટા મેસેજ કે અફવાઓથી દોરાઈને પંપ પર ભીડ ન કરવી જોઈએ. ગુજરાતમાં ઇંધણની કોઈ જ તકલીફ નથી અને ભવિષ્યમાં પણ રહેશે નહીં.
—–

Most Popular

To Top