પથ્થરમારામાં કતવારા પી.આઈ. ઉમેશ ગામીત ઘાયલ, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
દાહોદ | તા. ૨૬
દાહોદ જિલ્લાના ગુજરાત–મધ્ય પ્રદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલી ખગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી દરમ્યાન પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગામીતને મોઢાના ભાગે ઈજા પહોંચતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ આવનારી ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બૂટલેગરો દ્વારા વિદેશી દારૂ અને માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે ખગેલા બોર્ડર પર પણ કડક તપાસ ચાલી રહી હતી.

આ દરમિયાન એક આઈસર વાહનને અટકાવવાનો પ્રયાસ કરતા ડ્રાઈવર વાહન લઇ ભાગ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરાતા વાહન ચાલકે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના હુમલામાં કતવારા પી.આઈ. ઉમેશ ગામીતને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે ડી.વાય.એસ.પી., એસ.પી. સહિતનો મોટો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલ ટ્રક ચાલક અંકુશ હેમરાજ ડામોરને ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોર્ડર વિસ્તારમાં પોલીસ પર થયેલા આ હુમલાને લઈને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ