પક્ષના વર્તુળોમાં ચર્ચાઓ તીવ્ર, વિરોધનો સુર ઉઠે તેવી શક્યતા
ગુજરાત ભાજપમાં ચાલી રહેલા સંગઠન પર્વમાં જિલ્લા અને શહેર પ્રમુખોની નવી પસંદગી માટે પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ શુક્રવારે અપેક્ષિત જાહેરાતમાં વિલંબ થતાં ભાજપના વર્તુળોમાં ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. નેતાઓની દિલ્હી સુધીની મુલાકાતો બાદ પણ પ્રમુખોની યાદી જાહેર કરવામાં ન આવતા રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ નેતાઓ દિલ્હી ગયા હત અને પોતાની રજૂઆતો કરી હતી તેમ છતાં, પ્રમુખોની પસંદગી હજુ સુધી થઈ શકી નથી. જો કે મળતી માહિતી અનુસાર, હવે નવા પ્રમુખોની યાદી સોમવારે સંભવતઃ જાહેર થઈ શકે છે.
ભાજપમાં નેતાઓના અલગ અલગ લોબિંગને લઈને આ વિલંબ થઈ રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. શહેર, જિલ્લાના હોદ્દા મેળવવા માટે અનેક નેતાઓએ લોબીંગ શરૂ કરી દીધી છે. વડોદરા શહેરની જ વાત કરવામાં આવે તો ત્રણ ગ્રુપ શહેર પ્રમુખ માટે દિલ્હી સુધી લોબિંગ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટી દ્વારા કેટલાક મહાનગર અને જિલ્લાના પ્રમુખોને વધુ એક ટર્મ માટે રિપીટ પણ કરી શકે છે. જો કે, વડોદરા શહેરમાં વર્તમાન પ્રમુખ સામે વિરોધ ઉભો થતાં નિર્ણય લંબાવી દેવાયો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. સાથે, કેટલાક નવા ચહેરાઓને પદ પર લાવવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
પ્રમુખોની પસંદગી લંબાતા હવે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં પણ વિલંબ થઈ શકે છે. કારણ કે પાર્ટી સૌપ્રથમ જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ કરશે જે બાદ જ પ્રદેશ પ્રમુખની પસંદગી કરશે. ગુજરાત ભાજપ માટે નિયુક્ત ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવની મુલાકાત પણ લંબાઈ છે, અને તેઓ ઉત્તરાયણ પછી ગાંધીનગર આવી શકે છે.
વડોદરા શહેર ભાજપના ત્રણ જૂથ પૈકી બે જૂથ શહેર બીજેપી પ્રમુખ માટે યુવા નેતૃત્વની માંગ કરી રહ્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. જો કે, વરિષ્ઠ નેતાઓ પણ પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માટે ખૂબ જ સક્રિય છે. અટકળો મુજબ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉત્તરાયણ પર્વ માટે ગુજરાત આવશે. તેથી, આગામી દિવસોમાં શહેર અને જિલ્લા પ્રમુખોની જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન અસંતુષ્ટ નેતાઓને મનાવવા માટે પણ આ સમયગાળો ઉપયોગી બની શકે છે.
